બિસ્માર રસ્તાના કેસમાં હાઇકોર્ટે લાંબી મુદત આપવા ઇન્કાર કર્યો - At This Time

બિસ્માર રસ્તાના કેસમાં હાઇકોર્ટે લાંબી મુદત આપવા ઇન્કાર કર્યો


અમદાવાદ,તા.20 જુલાઈ 2022,બુધવારરખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના પ્રજાને સ્પર્શતા મુદ્દાઓને લઇ હાઇકોર્ટે આપેલા સીમાચિહ્નરુપ ચુકાદાઓનું પાલન નહી થતાં ગુજરાત હાઇકોર્ટમાં  સરકાર અને સત્તાવાળાઓ વિરુધ્ધ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે રાજય સરકાર તરફથી લાંબી મુદતની માંગણી કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે સરકારપક્ષને લાંબી મુદત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે એવી ટકોર  કરી હતી કે, હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને જો લાંબો સમય અપાય તો તેનો કોઇ અર્થ ના રહે અને બીજું કે, સંબંધિત સત્તાવાળાઓ જાગશે નહી. ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે. ચોમાસુ હોઇ સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે જરુરી, લાંબી મુદત ના આપી શકાય : હાઇકોર્ટશહેરમાં બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના ચુકાદાના કડકાઇથી પાલન માટે ખુદ એડવોકેટ અમિત પંચાલે જાતે જ કરેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં  આજે મુખ્ય સરકારી વકીલ ઉપલબ્ધ નહી હોવાથી સરકારપક્ષ તરફથી વધુ સમયની મુદત માંગવામાં આવી હતી, જેનો અરજદારપક્ષ તરફથી વિરોધ કરાયો હતો. જેને પગલે હાઇકોર્ટે ઉપરમુજબ ટકોર કરી સરકારપક્ષને લાંબો સમય આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૫મીએ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અમદાવાદના બિસ્માર રસ્તાઓ મુદ્દે તાજી સ્થિતિ અને પ્રગતિ અહેવાલ રજૂ કરવા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળને હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં કાનૂની સેવા સત્તામંડળ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલા ૫૬૫ પાનાના થોકબંધ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, અમદાવાદના લગભગ તમામ ઝોનમાં મોટાભાગના વોર્ડમાં રસ્તાઓ બહુ બિસ્માર હાલતમાં છે, કેટલાક રસ્તાઓની તો ભયંકર દુર્દશા છે તો, રસ્તાઓ પર રખડતા ઢોરોના ત્રાસ, ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતની અનેક સમસ્યાઓ સામે આવી હતી. જેના પરથી રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે અપાયેલા ચુકાદાઓનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર કે રાજય સરકારના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા પાલન જ થતુ નહી હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.