ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : રાજયના અંશકાલીન કર્મચારીઓ પણ લઘુત્તમ વેતન મેળવવા હકદાર
અમદાવાદ,તા.20 જુલાઈ 2022,બુધવારરાજય સરકારના અલગ અલગ વિભાગોમાં અમુક કલાકોના સમયગાળા માટે ફરજ બજાવતાં અંશકાલીન કર્મચારીઓને આજે ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે બહુ મોટી રાહત આપી છે. અંશકાલીન કર્મચારીઓ પણ લઘુત્તમ મેળવવા માટે હક્કદાર છે એમ ઠરાવી ગુજરાત હાઇકોર્ટે આવા કર્મચારીઓને પણ લઘુત્તમ વેતનનો લાભ આપવા હાઇકોર્ટે રાજય સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે સરકારના અલગ-અલગ ખાતાઓમાં ફરજ બજાવતાં હજારો અંશકાલીન કર્મચારીઓને લાભ થશે. હાઇકોર્ટના ચુકાદા મુજબ, હવે ભલે સરકારમાં ચાર કલાકથી ઓછો સમય ફરજ બજાવતા હોય તો પણ તેઓને પાર્ટટાઇમ કર્મચારી ગણી લઘુત્તમ વેતનનો લાભ સરકારે ચૂકવવો પડશે.જુદી જુદી આઠ કેટેગરીના કર્મચારીઓને અંશકાલીન કર્મચારી તરીકે ગણી લઘુત્તમ વેતનના લાભો આપવા સરકારને આદેશરાજય સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતાં જુદી જુદી આઠ કેટેગરીના કર્મચારીઓ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જુદી જુદી રિટ અરજીઓ આજે હાઇકોર્ટે મંજૂર રાખી હતી. હાઇકોર્ટે આ તમામ આઠ કેટેગરીના કર્મચારીઓને અંશકાલીન કર્મચારી તરીકે ગણી તેઓને લઘુત્તમ વેતનના લાભો આપવા સરકારના સત્તાવાળાઓને આદેશ કર્યો છે. જે કેટેગરીના કર્મચારીઓને લઘુત્તમ વેતનનો લાભ મળવાપાત્ર ઠરાવાયું છે તેમાં, સરકારના જુદા જુદા વિભાગોમાં ચાર કલાક કે તેથી વધુ કામ કરતાં અને ચાર કલાકથી ઓછો સમય કામ કરતાં કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, વર્ગ-૪ની મંજૂર જગ્યા નથી પણ સરકારના ખાતામાં અમુક કલાકો માટે ફરજ બજાવે છે તે, જેઓની રેગ્યુલર નિમણૂંક નથી પરંતુ સરકારમાં ફરજ બજાવે છે તેવું પ્રસ્થાપિત થતુ હોય, આઉટસોર્સીંગમાં સમાવાયા હોય અને નોકરીમાંથી હાંકી કઢાયા હોય અને વિલંબથી કોર્ટમાં આવ્યા હોય, મહિનામાં ૨૯ દિવસ માટે ફિક્સ પેથી નિયુકત કરાયા હોય, સરકારના કોઇ પ્રોેજેકટ હેઠળ કામ કરતા હોય તેવા તમામ લોકોનો સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજયના હજારો અંશકાલીન કર્મચારીઓને બહુ મોટો લાભ થશે. અંશકાલીન કર્મચારીઓની શું રજૂઆત હતી..?અંશકાલીન કર્મચારીઓ તરફથી કરાયેલી અરજીઓમાં એવી રજૂઆત કરાઇ હતી કે, તેઓ સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી અમુક કલાકો માટે ફરજ બજાવી રહ્યા છે પરંતુ સરકારના સંબંધિત સત્તાવાળાઓ તેઓને ફિકસ પગારના ધોરણે ચૂકવણી કરી રહ્યા છે. જે બિલકુલ અયોગ્ય અને અન્યાયી છે. ખુદ હાઇકોર્ટની ખંડપીઠે અગાઉ એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, અંશકાલીન ક્રર્મચારીઓ ભલે અમુક કલાકો માટે જ ફરજ બજાવતા હોય પરંતુ તેઓને પણ પાર્ટટાઇમ કર્મચારી ગણી લઘુત્તમ વેતનનો લાભ આપવો જોઇએ. સરકારના પરિપત્ર મુજબ, ચાર કલાક કે તેથી વધુ અને ચાર કલાકથી ઓછા સમય માટે કામ કરતાં કર્મચારીઓને સત્તાવાળાઓ દ્વારા લઘુત્તમ વેતનના લાભો ચૂકવવાનો ઇન્કાર કરાય છે કે તેઓ ચાર કલાકથી ઓછો સમય કામ કરે છે તેથી તેઓને આ લાભ મળી શકે નહી પરંતુ સરકારે ખુદ લઘુત્તમ વેતન કાયદો-૧૯૪૮ હેઠળ જાહેરનામું જારી કરેલું છે ત્યારે અરજદારોને લઘુત્તમ વેતનના લાભથી વંચિત ન રાખી શકાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.