જન્મટીપની સજા સામેની અપીલના હીયરીંગ વખતે કેસ વિલંબિત કરવા બદલ સંજીવ ભટ્ટને હાઇકોર્ટે ફરીવાર ઝાટકયા - At This Time

જન્મટીપની સજા સામેની અપીલના હીયરીંગ વખતે કેસ વિલંબિત કરવા બદલ સંજીવ ભટ્ટને હાઇકોર્ટે ફરીવાર ઝાટકયા


અમદાવાદ,તા. 19 જુલાઈ 2022,મંગળવારજામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની સજા સામેની અપીલની સુનાવણી દરમ્યાન  હાઇકોર્ટે આજે ફરી એકવાર સંજીવ ભટ્ટ તથા અન્ય આરોપીઓની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આરોપીઓના કેસ વિલંબિત કરવાના યેનકેન પ્રયાસોની ગંભીર ટીકા કરતાં જણાવ્યું કે, આ કેસની સુનાવણીમાં આરોપીઓ સમયાંતરે વકીલો બદલે છે અને કેસની સુનાવણી બિનજરૂરી રીતે ખેચી રહ્યા છે ત્યારે હાઇકોર્ટ આ તમામ બાબતોનું ધ્યાન રાખી રહી છે. આરોપીઓના વકીલો બદલવાના અને સુનાવણી ટાળવાના પ્રયાસની હાઇકોર્ટે બહુ ગંભીર નોંધ લીધી હાઇકોર્ટે આરોપીઓની આંતરિક અનુકૂળતા મુજબ નહી પરંતુ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર આ કેસમાં સુનાવણી હાથ ધરવાની છે. આરોપીઓની આ વર્તણૂંક સહેજપણ યોગ્ય નથી. સને ૧૯૯૦માં પ્રભુદાસ વિશ્નાની નામના વ્યકિતના કસ્ટોડિયલ ડેથના ચકચારભર્યા કેસમાં જામનગર સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને જન્મટીપની આકરી સજા ફટકારવામાં આવી હતી. જયારે અન્ય પાંચ આરોપીઓને પણ ટ્રાયલ કોર્ટે અલગ-અલગ સજા કરી હતી. સજાના આ હુકમ સામેની સંજીવ ભટ્ટ તથા અન્ય આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલમાં આજે સંજીવ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઇ હતી કે, આ મેટર આજે લીસ્ટ થઇ તેની તેમને જાણ જ ન હતી. જેથી હાઇકોર્ટે તેમને ખખડાવ્યા કે, આ કેસ ૨૦૧૯ના વર્ષથી ચાલે છે અને તમે આવુ કહો છો, તે વાત સમજથી પર છે. તમને અગાઉ પણ અનેક વખત તક અપાયેલી છે. આરોપીઓ દ્વારા એક પછી એક વકીલો બદલવામાં આવે છે, તેની પણ કોર્ટે ગંભીર નોંધી લીધી હતી અને તમામ આરોપીઓને આ વખતે છેલ્લી તક આપી હતી. હાઇકોર્ટે કેસની સુનાવણી તા.૨૭મી જૂલાઇ પર નિયત કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.