ભાડલામાં ખેડૂતને આપઘાત કરવા માટે મજબુર કરનાર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને ડ્રાઈવર સામે ગુનો નોંધાયો. - At This Time

ભાડલામાં ખેડૂતને આપઘાત કરવા માટે મજબુર કરનાર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને ડ્રાઈવર સામે ગુનો નોંધાયો.


જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલ શરી તળાવમાંથી કાપ ઉપાડવા બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓએ ધમકીઓ આપતા ભાડલા ગામના રામજીભાઈ ભલાભાઈ વાઘેલા(ઉ.વ.55) નામના ખેડૂતે અધિકારીઓની હાજરીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં ખેડૂતને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બે દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાથપી ગઈ હતી. આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યાં સુધી ખેડૂતને આપઘાત કરવા મજબુર કરનાર સિંચાઈ વિભાગના અધિકારી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે ડીવાયએસપીએ મધ્યસ્થી કરી પરિવારજનોને આ કિસ્સામાં ન્યાયી તપાસ હશે જ અને જવાબદારો સામે પગલા લેવાશે તેવી ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. બાદમાં પરિવારજનો મૃતદેહ સ્વીકારવા માની ગયા હતા અને મૃતદેહ સ્વીકારી લીધો હતો. આ કિસ્સામાં ભાડલા પોલીસે મૃતકના પુત્ર અનીલ રામજીભાઈ વાઘેલા(ઉ.વ.38) ની ફરિયાદના આધારે આઈપીસી કલમ 306, 114 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ જસદણ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હરદેવ હરગોવનભાઈ શર્મા(ઉ.વ.32) અને ગાડીના ડ્રાઈવર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ ભાડલા પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ આઈ.એમ.સરવૈયા ચલાવી રહ્યા છે.

અધિકારીએ ખેડૂત સાથે ખોદકામ કરવું હોય તો મંજુરી લેવી પડે તેમ કહી બોલાચાલી પણ કરી હતી. આ આપઘાતના બનાવમાં રામજીભાઈ વાઘેલા શરી તળાવમાં આવેલ વર્ષ 1997 ના પરીપત્ર મુજબ પોતાની જમીનમાં ખેતીમાં જમીન સુધારણાનું કામ કરતા હતા. ત્યારે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હરદેવ શર્મા અને ગાડીનો ડ્રાઈવર સરકારી ગાડી લઈને તળાવે આવી રામજીભાઈ વાઘેલાને કહેલ કે આ સરકારી જમીન હોય જેથી તમે ખોદકામ ન કરી શકો. તમારે ખોદકામ કરવું હોય તો મંજુરી લેવી પડે તેવું કહી તેમની સાથે બોલાચાલી કરી હતી અને ગેરવર્તન કરી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી ખેડૂતને દવા પીવા માટે મજબુર કરતા ખેડૂત દવા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.