GS Conclave : ગુજરાત સમાચાર એટલે વાંચકોનો સૂર્યોદય
અમદાવાદ : ગુજરાત સમાચારની ૯૦ વર્ષની સફળતાની યાત્રાના હમેશા કેન્દ્રમાં વાંચક રહ્યો છે. પ્રજા રહી છે અને લોકો રહ્યા છે. આ અખબાર એક પબ્લીશર તરીકે વિચારધારા છે અને વાંચકો માટ વિશ્વાસનું પ્રતિક, સંચારનું સિંચન અને સૂર્યોદયનો પર્યાય રહ્યું છે. સ્વ. શાંતિલાલ શાહે બંધ પડવાના આરે આવી પડેલા આ અખબારને એક નવી ઉંચાઈ આપી છે. પણ ઉંચાઈ આપવા માટે ક્યારેય મૂલ્યોને અવગણ્યા નથી. ગુજરાત સમાચાર દ્વારા ગુજરાતની આજ અને આવતીકાલ સંદર્ભે રાજ્યના ટોચના ઉદ્યોગગૃહની બીજી પેઢીના સાહસિકોને આમંત્રિત કરી તેમના થકી આગામી દાયકામાં પ્રદેશ, દેશ અને દુનિયા કેવી રીતે આગળ વધશે અને માર્ગમાં કેવા પડકાર આવશે તેના ઉપર ચર્ચા કરવા માટે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ડિસ્ટ્રીબ્યુશન, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક અને સ્ટાર્ટઅપ થકી પ્રજાને કેવી સવલત મળશે, પ્રજાને કેવી રાહત મળશે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્કલેવના પ્રારંભે ગુજરાત સમાચારની ૯૦ વર્ષની સફરના અંશની એક ફિલ્મ મહાનુભાવો સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેનો વિચાર્મંત્ર એક જ હતો કે સ્વ. શાંતિલાલ શાહની આંગળી પકડીને શરૂ થયેલું આ મહાભિયાન પાંચ દાયકા પછી પણ ચાલુ છે. બદલાતા યુગમાં, બદલાયેલી જીવનશૈલી સાથે આજે પણ વાંચકો માટે, પ્રદેશની પ્રજા માટે અને સત્ય હકીકત માટે જ ગુજરાત સમાચાર કાર્યરત છે.પ્રજાબંધુ કે લોક પ્રકાશન લીમીટેડ... ગુજરાત સમાચાર માટે પ્રજા કે લોકો જ સર્વોચ્ચ સત્તાધીશ રહ્યા છે. પ્રજાનો અવાજ અને પ્રજાનું મૌન બન્ને અમારા માટે, અમારી સંસ્થા માટે અને દરેક કર્મચારી માટે મોખરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.