GS Conclave : 700 વર્ષથી અમારા કુટુંબે શહેર, પ્રજા, સમાજ માટે સતત યોગદાન આપ્યું છે, પરંપરા હજુ ચાલુ છે
- બદલાવ લાવવા માટે વ્યાપાર ઉદ્યોગનું યોગદાન જરૂરી છે- ટેક્સટાઇલ ક્ષેત્રના નેકસ્ટ રિઇન્વેન્શનમાં દેશની સૌથી મોટી ટેકનિકલ ટેક્સ્ટાઇલ કંપની બનાવીશું : કુલીન લાલભાઇઅમદાવાદ : દુનિયામાં બદલાવ લાવવા માટે ઉદ્યોગ, ધંધા અને એની સાથે સંલગ્ન સંસ્થાઓ ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. શાંતિદાસ શેઠ અને ખુશાલ ચંદ શેઠને લોકો સફળ વેપારી તરીકે નથી યાદ રાખતા પણ એમના સમાજ સેવાના કામ માટે યાદ કરે છે, એમ અરવિંદ જૂથના કુલીન લાલભાઈએ જણાવ્યું હતું.ગુજરાત સમાચાર આયોજિત ગુજરાતની આજ અને આવતીકાલ કોંકલવમાં સાત સદીઓથી ચાલતી આવતી શ્રેષ્ઠી પરંપરા અંગે બોલતા અરવિંદ લિમિટેડના એક્ઝિકયુટિવ ડિરેક્ટર કુલીન લાલભાઈએ આ વાત કરી હતી. શાંતિદાસ શેઠથી લઈ સંજય લાલભાઈ સુધી આ કુટુંબે વ્યાપાર, ઉદ્યોગ, સંપત્તિ સર્જન જ નહિ પણ પોતાની સંપત્તિમાંથી શહેરની પ્રગતિ માટે, રક્ષા માટે કે ઉત્થાન માટે સતત કંઈક પરત આપ્યું છે એ પરંપરા આજે પણ ચાલુ છે. 'સમય સાથે અમારા ધંધાના પ્રકાર અને સ્વરૂપ બદલાતા ગયા પરંતુ મૂલ્યો, સિદ્ધાંતો અને ફિલોસોફી હંમેશા અખંડ રહ્યા છે,' એમ તેમણે ઉમેર્યું હતું.શાંતિદાસ શેઠે શાહજહાંના સમયમાં ધાર્મિક સ્થળો ઉપર હુમલા અટકાવ્યા તો ખુશાલ દાસ શેઠે મરાઠા સૈનિકો સાથે સમજૂતી કરી તેમને બક્ષિસ આપી અમદાવાદને બચાવ્યું હતું. કસ્તુરભાઈ લાલભાઈને માટે લોકોને જે આદર ભાવ છે તે તેમણે સમાજના દરેક ક્ષેત્રમાં આપેલા યોગદાન અને સેવાઓ માટે છે. આપણા દેશમાં કાપડ ઉદ્યોગની સ્થાપના અને વિકાસમાં એમનો ફાળો ખૂબ જ રહ્યો હતો અને એમના સમયમાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાં એમની ગણતરી થતી હતી. ભવિષ્યને જોવાની એમની ક્ષમતા ગજબની હતી. એ ઝડપથી સમજી ગયા હતા કે આઝાદ ભારતના વિકાસ માટે યુવાનોનું નવેસરથી એજ્યુકેશન કરવું પડશે અને એ માટે વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થા વિના ચાલશે નહીં. આ લક્ષને ધ્યાનમાં રાખીને અમદાવાદના કેટલાક શ્રેષ્ઠિઓ સાથે રહીને શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવાના એમણે કદમ ભર્યા.'આ માટે શહેરની મધ્યમાં જ લગભગ ૧૦૦૦ એકર જેટલી જમીન ખરીદી જયાં આજે સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ, એચ એલ કોમર્સ કોલેજ જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ ઉભી છે,' એમ તેમણે જણાવ્યું હતું.કોઈપણ બિઝનેસમાં સતત ઇનોવેશન અને રિઇન્વેન્શન જરૂરી છે એમ કહેતા કૂલિન ભાઈએ જણાવ્યું હતું, 'અમારી કંપની સો વર્ષ જૂની છે. અરવિંદની સ્ટોરી ઇનોવેશન અને રિઇન્વેન્શનની છે. એ હકીકત છે કે કોઈપણ બિઝનેસને સફળ રહેવું હોય તો ૧૫- ૨૦ વર્ષે રિઇન્વેન્શન કરવું જ પડે.' 'છેલ્લા ૪૦ વર્ષમાં અમે સતત રિ-ઇન્વેન્ટ કરતા આવ્યા છીએ. ડેનિમના ધંધામાંથી આગળ વધી અમે એન્ડ ટુ એન્ડ ટેક્સ્ટાઇલ મેન્યુફેક્ચરર બનવા તરફ આગળ વધ્યા. ફક્ત ટેક્સ્ટાઇલ મેન્યુફેક્ચરિંગના બદલે અમે ઘણી બધી બ્રાન્ડ ડેવલપ કરીને બ્રાન્ડેડ એપરલ્સના ધંધામાં નામ જમાવ્યુ. આજે અમે ફક્ત એક જ ધંધામાં નથી રહ્યા. ધીરે ધીરે ઘણા બધા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે,' એમ તેમણે ઉમેર્યું હતું. 'ટેક્સ્ટાઇલ ક્ષેત્રેના નેક્સ્ટ રિઇન્વેન્શનમાં અમે દેશની સૌથી મોટી ટેકનિકલ ટેક્સ્ટાઇવલ કંપની બનવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ નવા બિઝનેસમાં પરંપરાગત ટેક્સટાઇલ પ્રોસેસીઝ વપરાશે પણ નવા યુગની એપ્લિકેશન્સ જેમકે પ્રોટેક્ટિવ ફેબ્રિક્સ, કન્સ્ટ્રક્શન મટિરિયલ, માસ ટ્રાન્સપોર્ટેશન અને ફિલ્ટરેશન,' એમ તેમણે જણાવ્યું હતું.કૂલિન લાલભાઈએ જણાવાયું હતું કે જૂથના દરેક ગ્રોથ પ્લાન વચ્ચે ફોકસ સસ્ટેનિબિલિટી રહ્યું છે. 'આજે પૃથ્વીને બચાવવાની ખાસ જરુરીયાત છે. અને તે માટે વધારે જવાબદારી ઉદ્યોગોની છે. ટેક્સટાઇલ એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ ઘણી વધારે છે. આ ક્ષેત્રે અરવિંદ ગ્લોબલ લીડર છે. મારો ભાઈ પુનિત વિશ્વના અગ્રણી સસ્ટેનિબિલિટી ઓર્ગેનાઝેશન્સના બોર્ડ ઉપર છે. ગુજરાતમાં અમારા ઉત્પાદનમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ છે, એટલે કે એફ્લુએન્ટનું એક પણ ટીપું બહાર જતું નથી. અમે બધું જ પાણી રીયુઝ કરીએ છીએ. એક રીતે જોઈએ તો અમદાવાદ શહેરમાં જેટલું પાણી પીવાય છે તેના ૬૦ થી ૭૦ ટકા જેટલું પાણી અમે રોજ રિસાયકલ કરીએ છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.