દુકાન બંધ કરવાનું કહી પાનના ધંધાર્થી પર 9 શખ્સનો હુમલો - At This Time

દુકાન બંધ કરવાનું કહી પાનના ધંધાર્થી પર 9 શખ્સનો હુમલો


જંગલેશ્વર વિસ્તારના ખ્વાજા ચોકમાં રાત્રીના બનાવ

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દેવદિવાળીની રાતે નવ અસામાજિક તત્ત્વોએ સરાજાહેર પાનના ધંધાર્થીને દુકાન બંધ કરવાનું કહીને હુમલો કરી બઘડાટી બોલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જંગલેશ્વર, તવક્કલ ચોક-29માં રહેતા હાજીભાઇ દાઉદભાઇ ખેભાર નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે આ જ વિસ્તારમાં ખ્વાજા ચોકમાં પાનની દુકાન ધરાવતો હોય ગુરુવારે રાતે દુકાને હતો. ત્યારે સાડા દસ વાગ્યાના અરસામાં સમીર ઉર્ફે સંજલો જુણેજા અને તેની સાથે આઠેક શખ્સો ધોકા, છરી સાથે દુકાને ધસી આવ્યા હતા અને પોતાને દુકાન બંધ કરી દેવા કહ્યું હતું. જેથી દુકાન શા માટે બંધ કરું તેમ પૂછતા બધા ઉશ્કેરાય ગયા હતા અને પોતાના પર ધોકા, છરી સાથે તૂટી પડ્યા હતા. હુમલો થતા પોતે બૂમાબૂમ કરી મૂકતા સમીર ઉર્ફે સંજલાના ત્રણ ભાણેજે આ જ તો જાનથી મારી જ નાંખીશુંની ધમકી આપી વધુ માર માર્યો હતો. વધુ મારથી બચવા પોતે ત્યાંથી ભાગતા ટોળકીના કેટલાક શખ્સો પોતાની પાછળ છરી સાથે દોડ્યા હતા. બાદમાં પોતે મામાના ઘરે પહોંચી બનાવની વાત કરી હતી. મામાએ 108ને બોલાવી પોતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોતે ભાગી ગયા બાદ ટોળકીએ દુકાનમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પોતાની ફરિયાદ પરથી સમીર ઉર્ફે સંજલો જુણેજા, મુજુડો, સરફરાજ, દાનીસ, સમીરનો ભાણેજ નવાઝ ઉર્ફે નવલો, સોહીલો, સમીર, તેજીમ અને બે અજાણ્યા શખ્સ સામે રાયોટ, તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.