ગ્રીષ્મા હત્યા કેસ: આરોપી ફેનીલની ફાંસીની સજા સામેની અપીલ હાઇકોર્ટે દાખલ કરી
અમદાવાદ,તા.29 જુન 2022,મંગળવારરાજયભરમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલ ગોયાણીએ આખરે નીચલી કોર્ટે તેને ફટકારેલી ફાંસીની સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી ક્રિમીનલ અપીલ આજે હાઇકોર્ટે દાખલ કરી હતી. જો કે, કેસની સુનાવણી દરમ્યાન આરોપીના વકીલ તરફથી હાઇકોર્ટને અનુરોધ કરાયો હતો. જો કે, હાઇકોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી પહેલાં અન્ય કેસોમાં સજા પામેલા દોષિતો દસ-બાર વર્ષથી જેલમાં છે અને તેઓની સજા સામેની અપીલો ઓલરેડી પેન્ડીંગ છે ત્યારે તમારી અપીલ સાંભળવામાં પ્રાથમિકતા આપી શકાય નહી. અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટસુરતમાં ગત ફેબુ્રઆરી મહિનામાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની એકતરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ ગોયાણીએ ગળાના ભાગે ઠંડા કેલેજે ચપ્પુ ચલાવી જાહેરમાં કરપીણ હત્યા કરી હતી, જેને લઇ સુરત સહિત ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચકચારભર્યા એવા આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તા.5 મેના રોજ એક સીમાચિહ્નરુપ ચુકાદા મારફતે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપી ફેનીલને ફાંસીની મહત્તમ સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટના આ ચુકાદા બાદ રાજય સરકાર દ્વારા આરોપી ફેનીલને તાત્કાલિક ફાંસીની સજા ફટકારવાની માંગણી સાથે કન્ફર્મેશન કેસને લઇ હાઇકોર્ટમાં પહેલેથી જ અપીલ દાખલ કરી દેવાઇ છે. બાદમાં આરોપી ફેનીલે ટ્રાયલ કોર્ટની ફાંસીની સજા હળવી કરવા નીચલી કોર્ટના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ફાઇલ કરી હતી, જે આજે હાઇકોર્ટે દાખલ કરી હતી. હવે આવનારા દિવસોમાં આ અપીલો ચાલવા પર આવશે અને તેની સુનાવણી હાથ ધરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.