જીવનમાં શિક્ષક તરીકે સફળ થવા નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ નિભાવવી જોઈએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હસ્તે જસદણ વિંછીયા તાલુકાના માધ્યમિક શિક્ષકોની વિષય સજ્જતા તાલીમનો શુભારંભ
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, રાજકોટ જિલ્લાની જસદણ મોડેલ સ્કૂલ ખાતે શિક્ષકોની વિષય સજ્જતા તાલીમનો શુભારંભ કરાયો હતો. જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા જસદણ તાલુકા અને વિંછીયા તાલુકાની ૪૨ માધ્યમિક શાળાઓના ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લીશ વિષયના કુલ ૯૦ શિક્ષકોને કી રીસોર્સ પર્સનના માધ્યમથી વિષય સંબંધિત માર્ગદર્શન આપવાના હેતુસર આ બે દિવસીય તાલીમ યોજાઈ છે. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા - આ કહેવતને સાબિત કરતા અનેક વિશિષ્ટ વ્યક્તિઓ શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપીને દેશમાં સર્વોચ્ય સ્થાને પહોંચ્યા છે. જીવનમાં શિક્ષક તરીકે સફળ થવા નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ નિભાવવી જોઈએ. જસદણ-વિંછીયા પંથકમાં છેવાડાના ગામોમાં પણ પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓ છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય માટે રસ કેળવાય અને તેઓ વિજ્ઞાન પ્રવાહ બાજુ વળે, તે માટે વિજ્ઞાન પ્રવાહની શાળા પણ કાર્યરત છે. આમ, જસદણ-વિંછીયા પંથક શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે. ત્યારે શિક્ષકો માટે આ તાલીમ વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને અનુભવના નિચોડનો લાભ વધુ કૌશલ્યપૂર્ણ રીતે આપવા ઉપયોગી થશે. આ તકે સર્વધર્મ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ દીપ પ્રાગટ્ય કરાયું હતું. રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય પ્રજ્ઞાબેન રાદડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રીએ શિક્ષક તરીકે ૧૬ વર્ષના કાર્યકાળ અને એસ.ટી. નિગમ બોર્ડના નિયામક તરીકેની ફરજના સંસ્મરણો વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર એમ.ડી.દવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હેમલબેન આણંદપરા, બી.આર.સી. કો-ઓર્ડીનેટર રવિદાનભાઈ ગઢવી, મોડેલ સ્કૂલ આચાર્ય નેહાબેન, તજજ્ઞો મયંકભાઈ ભટ્ટ અને સુનિલભાઈ જાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.