મહાર જાતિના કેસમાં સરકારે 18 મુદતો માંગી પણ જવાબ રજૂ ના કર્યો, સરકાર આગામી મુદતે જવાબ રજૂ કરે: હાઇકોર્ટ - At This Time

મહાર જાતિના કેસમાં સરકારે 18 મુદતો માંગી પણ જવાબ રજૂ ના કર્યો, સરકાર આગામી મુદતે જવાબ રજૂ કરે: હાઇકોર્ટ


અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારરાજયની મહાર જાતિને અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવેશ કરવા દાદ માંગતી રિટ અરજીની સુનાવણીમાં છેલ્લા ૩૦ મહિનામાં ૧૮ વખત મુદત માંગી રાજય સરકાર કે તેના સત્તાવાળાઓ તરફથી કોઇ જવાબ રજૂ નહી કરવામાં આવતાં આખરે હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં કોઇપણ સંજોગોમાં આગામી મુદતે જવાબ રજૂ કરવા રાજય સરકારને હુકમ કર્યો હતો અને સાથે સાથે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો આગામી મુદત સુધીમાં જવાબ રજૂ નહી કરાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે.બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર મહાર જાતિના  છતાં સરકાર એસસી જાતિના માનવા તૈયાર નથી : અરજદારપક્ષરિટમાં એવા મહત્વના મુદ્દાને પણ રજૂ કરાયો હતો કે, ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર શોષિતો, પીડિતો અને દલિતોના મસીહા ગણાય છે, તે ડો.આંબેડકર મહાર જાતિના હોવા છતાં તેમને ગુજરાત સરકાર તેમને અનુસૂચિત જાતિના માનવા તૈયાર નથી. સમગ્ર દેશમાં તેઓ શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડનાર યુગપુરૃષ છે. પરંતુ, ગુજરાતમાં ડો. બાબાસાહેબ આંબેડકરને અનુસુચિત જાતિના માનવામાં આવતા નથી. ડો. બાબાસાહેબ આંબેડકરએ મહાર જાતિના છે અને ગુજરાત સિવાય સમગ્ર દેશમાં મહાર જાતિ એ અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ થાય છે, પરંતુ ગુજરાતમાં મહાર જાતિનો અનુસુચિત જાતિમાં સમાવેશ કરાયેલો નથી. જે અંગેનું કારણ આપતા અરજદારપક્ષે જણાવ્યું કે, ગુજરાત સરકાર કહે છે કે, મહાર જાતિના કોઈ વ્યકિતના પિતા અને વડવાઓ ગુજરાતના નિર્માણ પહેલા તા.૧-૫-૧૯૬૦ બોમ્બે રાજ્યના જિલ્લા અને ગુજરાતનો ભાગ ન હોય તેવા જિલ્લામાં જન્મ્યા હોય તો તેઓ અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ થશે નહી. બીજી તરફ, બોમ્બે રાજ્ય વખતે મહાર જાતિના કોઈપણ વ્યક્તિ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે હાલના ગુજરાતના ગમે તે વિસ્તારમાં જન્મ્યા હોય તેઓ અનુસુચિત જાતિમાં ગણાય છે. ગુજરાતમાં મહાર જાતિને પછાત સમુદાય કહે છે, પરંતુ અનુસુચિત જાતિમાં તેઓ ગણાતા નથી. દરમ્યાન અરજદારપક્ષ તરફથી હાઇકોરર્ટનું ધ્યાન દોરાયું હતું કે, આ કેસમાં છેલ્લા ૩૦ મહિનામાં સરકાર દ્વારા ૧૮ વખત મુદત મંગાઇ છે પરંતુ હજુ સુધી સરકારે જવાબ રજૂ કરવાની તસ્દી લીધી નથી. જેથી હાઇકોર્ટે ઉપરોકત નિર્દેશ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.