સરકારે સર્વિસ ચાર્જ પર મૂકલો પ્રતિબંધ ગેરકાયદે : એનઆરએઆઇ
- સરકારના આદેશ વિરુદ્ધ રેસ્ટોરન્ટના માલિકો એકજૂથ- સર્વિસ ચાર્જ અંગે જારી કરાયેલા દિશાનિર્દેશનો ભંગ કરનાર રેસ્ટોરન્ટ સામે કલેક્ટરો કડક કાર્યવાહી કરે : સીસીપીએનવી દિલ્હી : હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ વસૂલવા પર સરકારે મૂકેલા પ્રતિબંધ વિરુદ્ધ રેસ્ટોરન્ટ ઉદ્યોગ એકજૂથ થઇ રહ્યાં છે. રેસ્ટોરન્ટ સંચાલકોના ટોચના સંગઠન ઇન્ડિયન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનને નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે.મીડિયાના એક અહેવાલ અનુસાર ઇન્ડિયન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન (એનઆરએઆઇ)એ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) દ્વારા સર્વિસ ચાર્જ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવી આ આદેશની કાયદેસરતા પર પ્રશ્રો ઉઠાવ્યા છે. એનઆરએઆઇએ સીસીપીએના આદેશનો વિરોધ કરતા જણાવ્યું છે કે સરકારને આ બાબતમાં દખલગીરી કરવાનો કોઇ અધિકાર નથી. રેસ્ટોરન્ટ પર નિર્ભર કરે છે કે તે પોતાના વ્યવસાયને કેવી રીતે ચલાવે. તેણે વધુમાં જણાવ્યું છે કે કોઇ પણ કાયદાકીય આધાર વગર રેસ્ટોરન્ટ ઉદ્યોગની વિરુદ્ધ એક અભિયાન શરૃ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સીસીપીએએ રાજ્યોના મુખ્ય સચિવોને જણાવ્યું છે કે સર્વિસ ચાર્જ અંગે જારી કરવામાં આવેલા દિશાનિર્દેશનો ભંગ કરનાર હોટેલ અને રેસ્ટોરન્ટ સામે કલેક્ટરો કડક કાર્યવાહી કરે. આ અંગે ગ્રાહકોને પણ સચેત કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.