મદ્રાસ હાઈકોર્ટનો સદગુરુને સવાલ:તમારી દીકરીના લગ્ન કરાવ્યા; બીજાની દીકરીઓને સન્યાસી બનવાનું કેમ કહો છો - At This Time

મદ્રાસ હાઈકોર્ટનો સદગુરુને સવાલ:તમારી દીકરીના લગ્ન કરાવ્યા; બીજાની દીકરીઓને સન્યાસી બનવાનું કેમ કહો છો


મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવને પૂછ્યું કે જ્યારે તેમણે તેમની પુત્રીના લગ્ન કરાવી લીધા છે, તો તેઓ શા માટે અન્યની પુત્રીઓને સાંસારિક જીવનનો ત્યાગ કરીને તપસ્વીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની બે પુત્રીઓ- ગીતા કામરાજ ઉર્ફે મા માથી (42 વર્ષ) અને લતા કામરાજ ઉર્ફે મા માયુ (39 વર્ષ)-ને ઈશા યોગ કેન્દ્રમાં કેદમાં રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈશા ફાઉન્ડેશને તેમની દીકરીઓનું બ્રેઈનવોશ કર્યું, જેના કારણે તેઓ સંન્યાસી બની. તેમની દીકરીઓને ખાવાનું અને દવા આપવામાં આવી રહી છે, જેના કારણે તેમની વિચાર શક્તિ ખતમ થઈ ગઈ છે. જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને વી શિવગનમની બેન્ચે પોલીસને આ મામલાની તપાસ કરવા અને ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ કેસોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. વાંચો ઈશા ફાઉન્ડેશન પરના આરોપોનો સંપૂર્ણ કેસ... પિતાએ કહ્યું- દીકરીઓ મળવાની પણ ના પાડી રહી છે, જીવન નર્ક બની ગયું છે
એસ કામરાજે હાઈકોર્ટમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેમની મોટી પુત્રી ગીતા યુકેની યુનિવર્સિટીમાંથી એમટેક ગ્રેજ્યુએટ છે. તેને 2004માં આ જ યુનિવર્સિટીમાં લગભગ ₹1 લાખના પગારે નોકરી મળી હતી. તેણે 2008માં છૂટાછેડા લીધા પછી ઈશા ફાઉન્ડેશનમાં યોગા ક્લાસમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ ગીતાની નાની બહેન લતા પણ તેની સાથે ઈશા ફાઉન્ડેશનમાં રહેવા લાગી. બંને બહેનોએ તેમના નામ બદલી નાખ્યા છે અને હવે તેમના માતા-પિતાને મળવાની પણ ના પાડી રહી છે. માતા-પિતાએ દાવો કર્યો હતો કે જ્યારથી તેમની દીકરીઓએ તેમને છોડી દીધા છે ત્યારથી તેમનું જીવન નર્ક બની ગયું છે. કામરાજે પોતાની પુત્રીઓને વ્યક્તિગત રીતે કોર્ટમાં રજૂ કરવાની માગ કરી હતી. દીકરીઓએ કહ્યું- અમે ફાઉન્ડેશનમાં અમારી મરજીથી જીવીએ છીએ સોમવારે 30 સપ્ટેમ્બરે બંને યુવતીઓ કોર્ટમાં હાજર થઈ હતી. બંનેએ કહ્યું કે તેઓ પોતાની મરજીથી ઈશા ફાઉન્ડેશનમાં રહે છે. તેમને કેદમાં રાખવામાં આવી નથી. ઈશા ફાઉન્ડેશને એવો પણ દાવો કર્યો હતો કે મહિલાઓ સ્વેચ્છાએ તેમની સાથે રહી હતી. ફાઉન્ડેશને કહ્યું કે પુખ્ત વ્યક્તિઓને પોતાનો રસ્તો પસંદ કરવાની સ્વતંત્રતા અને જ્ઞાન હોય છે. અમે લગ્ન કે સાધુ બનવાનો આગ્રહ રાખતા નથી, કારણ કે આ લોકોની અંગત બાબતો છે. હજારો લોકો જેઓ સંન્યાસી નથી તેઓ ઈશા યોગ કેન્દ્રમાં આવે છે. વળી કેટલાક એવા પણ છે જેમણે બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે અથવા સંન્યાસી બન્યા છે. જો કે, ન્યાયાધીશે કેસ અંગે કેટલીક શંકાઓ વ્યક્ત કરી હોવાથી કોર્ટે આ મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટે કહ્યું- કોર્ટ કોઈના પક્ષમાં કે વિરુદ્ધમાં નથી
ધ હિંદુના અહેવાલ મુજબ જસ્ટિસ સુબ્રમણ્યમે ઈશા ફાઉન્ડેશનને કહ્યું કે તમે સમજી શકશો નહીં કારણ કે તમે કોઈ ખાસ પક્ષ માટે હાજર થઈ રહ્યા છો. આ કોર્ટ ન તો કોઈના પક્ષમાં છે કે ન તો કોઈની વિરુદ્ધ. અમે માત્ર અરજદારને ન્યાય આપવા માંગીએ છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.