રેડીમેડ ગારમેન્ટની નિકાસ વધારવા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની સ્કીમ લાવશે - At This Time

રેડીમેડ ગારમેન્ટની નિકાસ વધારવા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની સ્કીમ લાવશે


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવારભારત સરકાર રેડીમેડ ગારમેન્ટની નિકાસ વધારવા માટે તેમને માટે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ લાવવાનું આયોજન કરી રહી છે. તેમ જ ભારત સરકાર નવી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની સ્કીમ લાવવાની પણ સરકાર તૈયારી કરી રહી હોવાનો નિર્દેશ આપ્યો હતો.  તેની સાથે જ કોટન-કપાસના બજારમાં ચાલી રહેલા સટ્ટાને કારણે ભાવમાં મચી રહેલી અફરાંતફરીને નિયંત્રિત કરવા માટે પણ કેન્દ્ર સરકાર નવું આયોજન કરવાની ખાતરી વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે આપી હતી.  વાણિજ્ય મંત્રી અટિરાની ઓચિંતી મુલાકાત આવી હતી. કપાસના વાયદાના બજારમાં મોટા સટ્ટાઓને પરિણામે ટેક્સટાઈલ ઉદ્યોગના દરેક ગણિતો ખોરવાઈ જતાં હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.તદુપરાંત ભારત સરકાર ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની પણ નવી યોજના લાવવા તૈયારી કરી રહી હોવાનો નિર્દેશ પણ વાણિજ્યમંત્રી પિયૂષ ગોયલે આપ્યો હતો. માર્ચ ૨૦૨૩ પહેલા તેની જાહેરાત થઈ જવાની શક્યતા છે. ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડની સ્કીમમાં ગુજરાતના ઉદ્યોગોએ અને ગુજરાત ચેમ્બરે કરેલી રજૂઆતને બહુધા સ્વીકારી લેવામાં આવી છે. તેમાં ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડનો સ્પિનિંગ એકમોને ૪ વર્ષ વિવિંગ એકમોને ૫ વર્ષ પ્રોસેસિંગ અને ડેનિમના એકમોને ૬ વર્ષ તથા ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને તથા ટેકનિકલ ટેક્સટાઈલને ૭ વર્ષ સુધી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડનો લાભ આપવાની માગણી કરવામાં આવી હતી. સરકારે પાંચથી સાત વર્ષમાં રોકાણનું ૬૦ ટકા ફંડ ઉદ્યોગોને પરત મળી જાય તેવી વ્યવસ્થા પોલીસીનું સૌથી વધુ આકર્ષક  પાસું છે. ગત શનિવારે અટિરામાં ગુજરાતના ટેક્સટાઈલ સેગમેન્ટના મોભીઓ સાથે કરેલી એક બેઠકમાં વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ભારત યુનાઈટેડ આરબ અમિરાત અને ઓસ્ટ્રેલિયા પછી હવે બ્રિટન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની દિશામાં ચર્ચા વિચારણા કરી રહ્યું છે. પરિણામે ભારતના રેડીમેડ ગારમેન્ટના નિકાસકારો માટે નવા બજારો ખૂલવા માંડશે. ભારતમાંથી રેડીમેડ ગારમેન્ટની નિકાસ નવા દેશોમાં મોટે પાયે થાય તે માટે આ કરારો કરવાનું આયોજન કરાઈ રહ્યું છે, એમ ગત શનિવારે અટિરા ખાતે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત ચેમ્બરની ટેક્સટાઈલ કમિટીના સભ્ય સૌરિન પરીખે જણાવ્યું હતું. આ બેઠકમાં સંજય લાલભાઈએ કપાસની આયાત પરની દસ ટકા ડયૂટી પાછી ખેંચી લેવાની પણ માગણી કરી હતી. કપાસના ભાવમાં સટોડિયાઓ દ્વારા મચાવવામાં આવી રહેલી અફરાંતફરીને અંકુશમાં લેવા માટે સરકાર યોગ્ય પગલાં લે તેવી માગણી પણ કરી હતી. કપાસના સટોડિયાઓને અંકુશમાં લાવી શકાશે એવી લાગણી પણ આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ માગણી અંગે ઘટતું કરવાની રજૂઆત વાણિજ્ય મંત્રાલય દ્વારા બનતી ત્વરાએ નાણાં મંત્રાલયને કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.અટિરા ખાતે મળેલી બેઠકમાં અટિરાને રિવાઈવ કરીને ભારતના માન્ચેસ્ટર તરીકેની અમદાવાદની ગરિમાને પ્રસ્થાપિત કરવા ઉદ્યોગપતિઓને પિયૂષ ગોયલે અનુરોધ કર્યો હતો. અટિરા ખાતે ગુજરાતના ટેક્સટાઈલ જગતના ં સંજય લાલભાઈ, કુલિન અને પુનિત લાલભાઈ,  ચિંતન પરીખ, ચિંતન ઠાકર, યમુનાદત્ત અગ્રવાલ, દીપક ચિરીપાલ, મસ્કતી મહાજનના ગૌરાંગ ભગત અને ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ હેમંત શાહ તથા ગુજરાત ચેમ્બરની ટેક્સટાઈલ કમિટીના ચેરમેન સૌરિન પરીખ અને રાહુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.