ગ્લોબલ માર્કેટનો વેપારી ઉધારમાં સાડી, લહેંગાનું કાપડ ખરીદી રૂ.9.58 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર
- રીંગરોડની શ્રી મહાલક્ષ્મી માર્કેટના વેપારીના સ્ટાફે ઉઘરાણી માટે ફોન કર્યો તો અભદ્ર વ્યવહાર કરી ધમકી આપી સુરત,તા.28 જુલાઈ 2022, ગુરૂવાર સુરતના રીંગરોડ સ્થિત શ્રી મહાલક્ષ્મી માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં સાડી, લહેંગાનું કાપડ ખરીદી રૂ.9.58 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ગ્લોબલ માર્કેટનો વેપારી ફરાર થઈ જતા સલાબતપુરા પોલીસે અરજીના આધારે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી ફ્લાવર ગાર્ડનની બાજુમાં અભિનવ હાઈટસ બી/204 માં રહેતા 32 વર્ષીય મનીષભાઈ સજ્જનભાઈ શર્મા રીંગરોડ શ્રી મહાલક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટમાં કલાવતી ફેશનના નામે સાડીનો વેપાર કરે છે. સુરતના ઉમરવાડા સ્થિત ગ્લોબલ માર્કેટમાં શ્રી ક્રિએશનના નામે વેપાર કરતા સાગર ભરતભાઇ પાગડાળ ( પટેલ ) ( રહે.ઘર નં.4, ગોપીનાથ સોસાયટી 2, ધનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત ) એ ગત મે માસમાં મનીષભાઈની દુકાને આવી પોતાની માર્કેટમાં મોટી શાખ છે કહી સાથે વેપાર કરવા તૈયાર કર્યા હતા. આથી મનીષભાઈએ સાગરના ઓર્ડર મુજબ તેને ગત 18 મે થી 6 જૂન દરમિયાન રૂ.9,57,757 નું બલાટન સાડીનું કાપડ, વેલ્વેટ લહેંગાનું કાપડ અને પ્રિન્ટ સાડીનું કાપડ ઉધારમાં મોકલ્યું હતું.જોકે, નિર્ધારીત સમયમર્યાદા બાદ મનીષભાઈએ ઉઘરાણી કરી તો સાગરે હજુ માલ વહેંચાયો નથી, વેચાય એટલે પેમેન્ટ કરી દઈશ તેવા બહાના કાઢી સમય પસાર કર્યો હતો.મનીષભાઈ તેની દુકાને જતા તો તે ત્યાં મળતો નહોતો. બાદમાં તે પોતાનો ધંધો અને દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. તેના થોડા દિવસ બાદ મનીષભાઈની દુકાનના એક કર્મચારીએ સાગરને ફોન કરી પેમેન્ટની વાત કરતા તેણે અભદ્ર વ્યવહાર કરી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આ અંગે મનીષભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ વેપારી સાગર વિરુદ્ધ રૂ.9.58 લખની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.