'બુલડોઝરથી જેનું ઘર તોડ્યું તેને 25 લાખ આપો':તમે રાતોરાત કોઈનું ઘર તોડી ન શકો, સુપ્રીમ કોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી - At This Time

‘બુલડોઝરથી જેનું ઘર તોડ્યું તેને 25 લાખ આપો’:તમે રાતોરાત કોઈનું ઘર તોડી ન શકો, સુપ્રીમ કોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી


ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં હાઈવેની બાજુમાં બનેલા ઘરને કોઈપણ પ્રક્રિયાનું પાલન કર્યા વિના બુલડોઝર વડે તોડી પાડવા બદલ સુપ્રીમ કોર્ટે યોગી સરકારની સખત ઝાટકણી કાઢી છે. CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે તમે લોકોના ઘર આ રીતે તોડવાની શરૂઆત કેવી રીતે કરી શકો? તમે કોઈનું ઘર રાતોરાત તોડી ન શકો. આ અરાજકતા છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના અધિકારીઓને રોડ પહોળા કરવાના નામે ગેરકાયદે મકાનો તોડી પાડવાના આરોપોની તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય અને વહીવટી કાનૂની પગલાં લેવા જણાવ્યું. આ ઉપરાંત અરજદારને 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. 2020માં દાખલ કરાયેલી અરજી પર સંજ્ઞાન લીધું
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે 2020માં સુઓ મોટુ કોગ્નિઝન્સ પર દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી. આ અરજી મનોજ ટિબરેવાલે દાખલ કરી હતી. 2019માં મહારાજગંજ સ્થિત તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. યુપી સરકારે કોર્ટને કહ્યું હતું કે અરજદારે 3.7 ચોરસ મીટરમાં અતિક્રમણ કર્યું હતું. આના પર કોર્ટે કહ્યું, પરંતુ તમે લોકોનાં ઘરોને આ રીતે સંપૂર્ણ રીતે કેવી રીતે તોડી શકો છો? કોઈના ઘરમાં ઘૂસીને નોટિસ આપ્યા વિના એને તોડી પાડવું ગેરકાયદે છે. અરજદારને 25 લાખનું વળતર આપવાનો આદેશ
આ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને અરજદારને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. આ વળતર વચગાળાનું છે. કોર્ટે ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને તમામ અધિકારીઓ સામે તપાસ કરવા અને ગેરકાયદે ડિમોલિશન માટે જવાબદાર વ્યક્તિઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્ય ગેરકાયદે કૃત્યો માટે જવાબદાર લોકો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે પણ સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટે સરકારના વકીલને પૂછ્યું, કેટલાં ઘર તોડ્યાં?
અરજદારના વકીલે આ મામલે તપાસ કરવા વિનંતી કરી. CJIએ રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે કેટલાં મકાનો તોડ્યાં છે? રાજ્યના વકીલે કહ્યું કે 123 ગેરકાયદે બાંધકામો છે. જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું, તમારા કહેવાનો આધાર શું છે કે એ અનધિકૃત હતાં, છેલ્લાં 50 વર્ષથી શું કરી રહ્યા હતા, રાજ્યએ NHRCના આદેશનું થોડું સન્માન કરવું પડશે. તમે મૌન બેઠા છો અને એક અધિકારીનાં કામોનું રક્ષણ કરો છો. ત્રણ રાજ્ય, જ્યાં છેલ્લા 3 મહિનામાં બુલડોઝરની કાર્યવાહી થઈ સુપ્રીમ કોર્ટે કહ્યું- ગુનામાં સામેલ થવાનો આરોપ મિલકતનો નાશ કરવાનો આધાર નથી સુપ્રીમ કોર્ટે ગુરુવારે (12 સપ્ટેમ્બર) કહ્યું હતું કે બુલડોઝરની કાર્યવાહી દેશના કાયદા પર બુલડોઝર ચલાવવા જેવું છે. ગુનામાં કોઈની સંડોવણીનો આરોપ તેની મિલકતને તોડી પાડવાનો આધાર હોઈ શકે નહીં. જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે એક ઘર તોડી પાડવા સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું, જો કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો તેના આખા પરિવાર કે તેના કાયદેસર રીતે બનેલા ઘર વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં. સપ્ટેમ્બરમાં આ બીજી વખત છે જ્યારે SCએ બુલડોઝરની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલાં 2 સપ્ટેમ્બરે કોર્ટે કહ્યું હતું કે જો કોઈ કેસમાં કોઈ વ્યક્તિ દોષિત હોય તોપણ આવી કાર્યવાહી કરી શકાય નહીં. (વાંચો સંપૂર્ણ સમાચાર...)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.