ટેટૂએ ખોલ્યું હત્યાનું રાઝ:ગર્લફ્રેન્ડ, સ્પા, બર્થ-ડે સેલિબ્રેશન ને મર્ડર, શરીર પર 22 નામ, દુશ્મનોમાં પત્ની, પુત્ર-પુત્રવધૂ પણ; મુંબઈમાં રિયલ લાઇફ ‘ગજની’ જેવી સ્ટોરી - At This Time

ટેટૂએ ખોલ્યું હત્યાનું રાઝ:ગર્લફ્રેન્ડ, સ્પા, બર્થ-ડે સેલિબ્રેશન ને મર્ડર, શરીર પર 22 નામ, દુશ્મનોમાં પત્ની, પુત્ર-પુત્રવધૂ પણ; મુંબઈમાં રિયલ લાઇફ ‘ગજની’ જેવી સ્ટોરી


મુંબઈમાં એક સ્પામાં મર્ડર થાય છે, તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે. અને ત્યાંથી તબીબનો ચોંકાવનારો ફોન આવે છે અને મર્ડર મિસ્ટ્રીના રહસ્યનો સ્ફોટક ખુલાસો થાય છે. ડેડબોડી પોતે જ હત્યારાનું રાઝ ખોલે છે. શું તમને આ બધું કોઇ ફિલ્મની સ્ટોરી જેવું તો નથી લાગતું ને... ઘણા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ‘ગજની’ જેમાં હીરોને ભૂલવાની બીમારી હતી. આ બીમારીના કારણે હીરોએ પોતાના શરીર પર પોતાના દુશ્મનોના નામના ટેટું કરાવ્યા હતા... ફિલ્મના આટલા બધા વર્ષો પછી હવે મુંબઇમાંથી એક રિયલ લાઇફ ‘ગજની’ની સ્ટોરી સામે આવી છે. ફિલ્મ ‘ગજની’ની જેમ જ એક શખ્સે પોતાના શરીરના એક ખાસ ભાગ પર પોતાના 22 દુશ્મનોના નામનું ટેટું કરાવી રાખ્યું હતું. અને જ્યારે તેનું મર્ડર થયું ત્યારે તેના શરીર પર લખેલા નામોમાં તેના હત્યારાનું નામ છઠ્ઠા નંબરે હતું. તો આવો જાણીએ આ રિયલ લાઇફ ‘ગજની’ની સ્ટોરી અને ડેડબોડીએ કેવી રીતે ખોલ્યું હત્યારાનું રાઝ... ‘ગજની’ની જેમ જ એક વ્યક્તિએ શરીર પર 22 દુશ્મનોના નામનું ટેટું કરાવ્યું હતું
આમિર ખાનની 'ગજની' તેના સમયની લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં આમિરના પાત્ર વિશે ઘણી ચર્ચા થઈ હતી, જેને ભૂલવાની બીમારી હતી. આ બીમારીને કારણે તેણે પોતાના શરીર પર દુશ્મનોના નામ અને નંબરોનું ટેટું કરાવી રાખ્યું હતું. આવી જ એક સત્ય ઘટના દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સામે આવી છે. ગજની ફિલ્મની જેમ જ એક વ્યક્તિએ તેના શરીરના એક ખાસ ભાગ પર તેના 22 દુશ્મનોના નામનું ટેટું કરાવ્યું હતું. સૌથી ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રીની શરૂઆત વર્લીના સોફ્ટ ટચ સ્પાથી થાય છે
આશ્ચર્યજનક રીતે, જ્યારે તેનું મર્ડર થયું, ત્યારે તેના શરીર પર લખેલા નામોમાં તેના હત્યારાનું નામ છઠ્ઠા સ્થાને હતું. આ સૌથી વિચિત્ર અને સૌથી ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રીની શરૂઆત વર્લીના સોફ્ટ ટચ સ્પાથી થાય છે. બુધવારે (24 જુલાઈ) સવારે પોલીસને આ સ્પામાંથી એક ફોન આવે છે. કોલ કરનાર જણાવે છે કે સ્પાની અંદર એક વ્યક્તિની હત્યા થઈ ગઇ છે. સમાચાર સાંભળતા જ પોલીસની એક ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી જાય છે. ત્યાં પોલીસને લોહીથી લથપથ એક વ્યક્તિની લાશ મળે છે. તેનું મર્ડર તીક્ષ્ણ હથિયારના ઘાથી થયું હતું. જાંઘ પર 22 લોકોના નામનું ટેટૂ કરાવવા પાછળનું રહસ્ય શું?
પરંતુ જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો ત્યારે પોસ્ટમોર્ટમ કરી રહેલા ડોક્ટર અચાનક લાશ જોઈને ચોંકી જાય છે. કારણ કે મૃત્યુ પામનાર વ્યક્તિની બંને જાંઘ પર 1, 2, 3, 4, 5, નહીં પણ પૂરા 22 લોકોના નામનું આખું લિસ્ટનું ટેટું હતું. પણ હવે સવાલ એ હતો કે ખરેખર આખરે આ મામલો છે શું? જાંઘ પર 22 લોકોના નામનું ટેટૂ કરાવવા પાછળનું રહસ્ય શું છે? મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે આ 22 લોકોનું શું કનેક્શન છે? દુશ્મનોની યાદી આટલી લાંબી કેમ હતી?
જ્યારે પોલીસની નજર આ યાદીમાં લખેલા નામોની સાથે સૌથી ઉપર લખેલી એક લાઇન પર પડી, ત્યારે આ રહસ્ય પણ બહાર આવ્યું. કારણ કે આ લાઇનમાં લખ્યું હતું. "મારી ડાયરીમાં મારા દુશ્મનોના નામ લખેલા છે. તેની તપાસ કરો અને પગલાં લો." આ લાઇનમાં વાત તો ડાયરીની થઇ રહી હતી, પરંતુ કદાચ મૃતકે સેફ સાઇડ માટે અથવા 'ડબલ શ્યોર' બનવા માટે તેની જાંઘ પર તેના એ જ દુશ્મનોના નામ લખ્યા હતા. પણ પછી સવાલ એ થયો કે આ વ્યક્તિ કોણ હતી? અને તે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેમાં તેના દુશ્મનોની યાદી આટલી લાંબી હતી? છઠ્ઠા નંબરના નામે રહસ્યનો પર્દાફાશ કર્યો
આ પછી, જ્યારે પોલીસે દુશ્મનોની આ લાંબી યાદી સાથે છઠ્ઠા નંબર પર લખેલું નામ જોયું તો આ રહસ્યનો પણ પર્દાફાશ થયો. આ નામ બીજા કોઈનું નહીં પણ એ જ વ્યક્તિનું હતું, જેના સ્પામાં આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જી...હા, સંતોષ શેરેકર. હકીકતમાં, આ સ્પા સંતોષ શેરેકરનું જ હતું અને તેણે જ સૌથી પહેલા પોલીસને તેના સ્પામાં એક વ્યક્તિની હત્યાની જાણ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ પણ સ્પષ્ટ થઈ ગઈ હતી. આ વ્યક્તિ હતો 52 વર્ષનો ગુરુ વાઘમારે. એટલે કે એક એવો RTI એક્ટિવિસ્ટ, જેનું કામ જ RTI દ્વારા લોકોની ખામીઓ શોધવાનું હતું. તેઓને કાર્યવાહીની ધમકી આપી બ્લેકમેલિંગ કરીને પૈસા વસૂલવાનું હતું. મૃતક સ્પામાં કેવી રીતે પહોંચ્યો?
કદાચ આ જ કારણ હતું કે તેના દુશ્મનોની યાદી આટલી લાંબી થઈ ગઈ હતી. ટૂંક સમયમાં તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું કે વાઘમારે છેલ્લા ઘણા વર્ષોથી સતત સંતોષ શેરેકરને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવતો હતો. દેખીતી રીતે, આ કારણોસર વાઘમારેને શેરેકર સાથે દુશ્મનાવટ હતી અને વાઘમારેએ તેના દુશ્મનોની યાદીમાં છઠ્ઠા નંબર પર તેનું નામ પણ લખાવ્યું હતું. પરંતુ સવાલ એ હતો કે ગુરુ વાઘમારે સંતોષ શેરેકરના સ્પામાં કેવી રીતે પહોંચ્યો? અને અહીં તેની હત્યા કોણે કરી? દુશ્મનના સ્પામાં કેમ બર્થડેની ઉજવણી કરી
આ અંગે પોલીસે સ્પાના માલિક શેરકરની પૂછપરછ કરતાં આ ક્રમ પણ સ્પષ્ટ થઈ ગયો. શેરકરે પોલીસને જણાવ્યું કે વાઘમારે તેની 21 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે તેના સ્પામાં પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં સ્પામાં કામ કરતો સ્ટાફ પોતપોતાના ઘરે ચાલ્યો ગયો હતો. અલબત્ત તેને પણ સવારે ખબર પડી કે ગુરુ વાઘમારેની હત્યા તેના સ્પામાં કરવામાં આવી છે. એટલે કે, આ ઘટના શેરેકરના સ્પામાં બની હતી, પરંતુ તેને આ ઘટનાની જાણ નહોતી. તેનું કહેવાનું હતું કે સવારે જ્યારે તેની સાથે આવેલી તેની ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે તે સ્પામાં પહોંચ્યો અને પોલીસને જાણ કરી. હવે પોલીસે વાઘમારેની ગર્લફ્રેન્ડની પૂછપરછની સાથે ગત રાતનો સમગ્ર ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ગર્લફ્રેન્ડે જણાવ્યું કે મંગળવારે ગુરુ વાઘમારેનો જન્મદિવસ હતો અને તેણે તેની સાથે ઉજવણી કરી હતી. તે બંને પહેલા એક બારમાં ગયા હતા, જ્યાં તેઓએ સાથે દારૂ પીધો હતો અને પછી વાઘમારે તેને સોફ્ટ ટચ સ્પામાં લઈ આવ્યો. ગર્લફ્રેન્ડે જણાવ્યું કે ગત રાત્રે વાઘમારેએ સ્પાના મેનેજર અને સ્ટાફને પણ પાર્ટી આપી હતી, ત્યારબાદ તે વાઘમારે સાથે સ્પામાં ગઈ હતી, જ્યારે સ્પાનો સ્ટાફ તેમના ઘરે ગયો હતો. સ્પામાં તે રાત્રે એક રૂમમાં સૂવા જતી રહી. સવારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ તેની ઉંઘ ઉડી. બારથી સ્પા સુધી હત્યારાઓએ પીછો કર્યો
તેણે જોયું કે વાઘમારેની હત્યા થઈ ગઈ છે. એટલે કે, સ્પાના માલિક શેરેકર અને તેની ગર્લફ્રેન્ડ બંને રાત્રે વાઘમારેને જીવતો જોવાની વાત કરી રહ્યા હતા, પરંતુ હત્યાની ઘટનાથી અજાણ હોવાનો દાવો કરી રહ્યા હતા. હવે પોલીસે સત્ય જાણવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી. તે બારથી લઇને સ્પાની આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરાને ખંગોળવાની શરૂઆત કરી, જે બારમાં સ્પા પહોંચતા પહેલા ગુરુ વાઘમારે અને તેની ગર્લફ્રેન્ડ જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. આ પ્રયાસમાં પોલીસને બારથી લઈને સ્પાની બહાર સુધીમાં કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો જોવા મળી. પોલીસે જોયું કે જે બારમાં બંને જન્મદિવસની ઉજવણી કરવા પહોંચ્યા હતા, તે બારની બહાર રેઈનકોટ પહેરેલા બે લોકો એક સ્કુટીથી ગુરુ વાઘમારેનો પીછો કરતા જોવા મળ્યા હતા. આ બંને લોકો સ્પા સુધી પણ પહોંચ્યા હતા. આ બે રહસ્યમય લોકો કોણ હતા?
ખરેખર, વાઘમારેના સ્પામાં પહોંચ્યાના લગભગ એક કલાક પછી આ બે રહસ્યમય લોકો સ્પા સુધી આવ્યા હતા અને સ્પાની નજીક જ એક પાનની દુકાન પર રોકાયા હતા અને કંઈક ખરીદ્યું હતું. પાનની દુકાનમાં રોકાયેલા બંનેની તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે કોઈ સમય બગાડ્યા વિના પોલીસે પાનવાળાની પૂછપરછ શરૂ કરી દીધી. જાણવા મળ્યું કે ગઇકાલે રાત્રે રેઈનકોટ પહેરેલા બે શખ્સોએ તેની દુકાનમાંથી ગુટખા ખરીદી હતી. બંનેએ યુપીઆઈ દ્વારા ગુટખાના પૈસા ચૂકવ્યા હતા. પોલીસ માટે આ વધુ એક મોટી કડી હતી. પોલીસે હવે તરત જ પાન દુકાનદારને UPI પેમેન્ટ કરનાર વ્યક્તિનું નામ અને ફોન નંબર શોધી કાઢ્યો. હત્યારા કોના સંપર્કમાં હતા?
આ સાથે જ ફિરોઝ અન્સારી નામના વ્યક્તિના મોબાઈલ ફોનનો કોલ ડિટેઈલ રેકોર્ડ એટલે કે સીડીઆર કઢાવી લીધો. જેથી તે જાણી શકાય કે તે હત્યા પહેલા અને પછી તેની કોની સાથે વાત ચાલી રહી હતી. પોલીસ એ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી કે સ્પાનો માલિક સંતોષ શેરેકર, જે વાઘમારેની હત્યાથી અજાણ હોવાનો દાવો કરી રહ્યો હતો, તે જ શેરેકર, રેઈનકોટ પહેરીને વાઘમારેનો પીછો કરી રહેલા બે લોકોમાંથી એક ફિરોઝ અન્સારી સાથે સતત વાત કરતો હતો. મતલબ કે આ હત્યા ન માત્ર સ્પાના માલિકના સ્થાને થઈ હતી, પરંતુ ખુદ શેરેકર પણ હત્યારાઓ સાથે સંકળાયેલો હતો. હવે પોલીસે શેરેકર પર સંકજો કસી લીધો છે. હવે તેની પાસે સત્ય સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેણે જણાવ્યું કે મંગળવારે રાત્રે તેના નિર્દેશ પર જ ફિરોઝ અન્સારી અને સાકિબ અન્સારીએ ગુરુ વાઘમારેની હત્યા કરી હતી. વાઘમારે સ્પામાં પહોંચ્યાના લગભગ એક કલાક પછી ફિરોઝ અને સાકિબ સ્પામાં પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં સ્પા સ્ટાફ ઘરે જતો રહ્યો હતો. બંનેએ પહેલા તેની ગર્લફ્રેન્ડને એક રૂમમાં પહોંચાડી અને પછી પોતાની સાથે લાવેલી એ કાતરની બ્લેડ વડે ઘા મારીને વાઘમારેની હત્યા કરી નાખી. વાર્તા સ્પષ્ટ થતાંની સાથે જ પોલીસે શેરેકરની સાથે આ ગુનો કરનાર બે હત્યારાઓમાંના એક ફિરોઝ અન્સારીની પણ ધરપકડ કરી લીધી. શેરેકરે વાઘમારેની હત્યા કેમ કરાવી?
બાદમાં ફિરોઝની માહિતીથી તેનો અન્ય સહયોગી સાકિબ અન્સારી રાજસ્થાનના કોટાથી ગરીબ રથ એક્સપ્રેસમાંથી ઝડપાઈ ગયો. જે હત્યા બાદ દિલ્હી ભાગી રહ્યો હતો. હવે સવાલ એ હતો કે શેરેકરે વાઘમારેની હત્યા કેમ કરાવી? અને તેણે કેવી રીતે આ ઘટનાનું કાવતરું ઘડ્યું? જેથી વધુ તપાસમાં પોલીસને આ સવાલોના જવાબો પણ મળી ગયા. આ પણ ઓછી આશ્ચર્યજનક કહાની નહોતી. હકીકતમાં, વાઘમારે આરટીઆઈના નામે બ્લેકમેલિંગ રેકેટ ચલાવતો હતો. તે અન્ય લોકોની સાથે છેલ્લા ઘણા સમયથી સ્પાના માલિક શેરેકરને પણ બ્લેકમેલ કરતો હતો. ત્રણ મહિના પહેલા ત્રણેયએ કાવતરું ઘડ્યું
શેરેકર અને ફિરોઝ અન્સારીનો અગાઉ મુંબઈના નાલાસોપારામાં એક સ્પા હતો, જેની ફરિયાદ કરી તેને એ સ્પા બંધ કરાવી દીધો હતો. આ પછી પણ તેણે શેરેકર પાસેથી ધમકીઓ આપીને પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું. તેનાથી કંટાળીને તેણે તેના પૂર્વ ભાગીદાર ફિરોઝ અન્સારીને 12 લાખ રૂપિયાની સોપારી આપી. ફિરોઝે દિલ્હીના રહેવાસી સાકિબ અન્સારીનો સંપર્ક કર્યો અને ત્રણેયે મળીને વાઘમારેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. ત્રણ મહિના પહેલા ત્રણેયએ કાવતરું ઘડ્યું અને પછી સાકિબ દિલ્હીથી મુંબઈ આવ્યો. ફિરોઝ અને સાકિબે વાઘમારેની રેકી શરૂ કરી. 7 હજાર રૂપિયામાં ધારદાર બ્લેડવાળી કાતર ખરીદી. જાંઘ પર પત્ની, પુત્ર અને પુત્રવધૂના નામ પણ હતા
આ પછી બંનેની બ્લેડ અલગ કરી નાખી. ત્યારબાદ આયોજિત કાવતરા મુજબ મંગળવારે રાત્રે સૌપ્રથમ વાઘમારેનો પીછો કર્યો અને શેરેકરના સ્પામાં ઘૂસીને તેની હત્યા કરી નાખી. એક આશ્ચર્યજનક બાબત એ છે કે વાઘમારેએ પોતાની જાંઘ પર તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂના નામ પણ લખેલા હતા. ખરેખરમાં તેની પુત્રવધૂ પર તેની ખરાબ નજર હતી અને તેના કારણે પારિવારિક વિવાદ પણ હતો. વિચારવાની વાત એ છે કે જે ફિરોઝ અન્સારી સાથે તેની જૂની દુશ્મની હતી, જેણે તેના નામની સોપારી લીધી અને જેણે પોતાના હાથે તેનો જીવ લીધો, તે જ ફિરોઝ અન્સારીનું નામ વાઘમારેની જાંઘ પર છપાયેલા લિસ્ટમાં ક્યાંય નહોતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.