રાજકોટના ડઝનથી વધુ નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી, કલેકટર દ્વારા ઘડાતી દરખાસ્ત - At This Time

રાજકોટના ડઝનથી વધુ નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા તૈયારી, કલેકટર દ્વારા ઘડાતી દરખાસ્ત


અશાંતધારાના મામલે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તેમજ રમેશભાઈ ટીલાળા દ્વારા પ્રભવ જોશીને કરાયેલ રજૂઆતના પગલે રાજકોટ જીલ્લા વહીવટી તંત્રએ ગંભીર બની શહેરના એક ડઝનથી વધુ નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.
કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના રેલનગર, લક્ષ્મીનગર, રામનગર સહિતના એક ડઝનથી વધુ નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે કલેકટર તંત્ર દ્વારા પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવેલ છે. આ અંગે સર્વે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલ છે.
શહેરના એક ડઝનથી વધુ આ નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટેના અભિપ્રાયોની ફાઈલો પ્રાંત અધિકારીઓ પાસેથી મળ્યા બાદ કલેકટર તંત્ર દ્વારા આ અંગેની દરખાસ્ત રાજય સરકારમાં મોકલી દેવામાં આવશે. જે બાદ સરકારની મંજૂરી મળ્યે આ નવા વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લેવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, અશાંતધારાના મામલે અગાઉ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા જીલ્લા કલેકટરને ફરીયાદ કરી જણાવ્યું હતું કે, રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે.
જેમાં મુસ્લીમ સમાજના કેટલાક સદસ્યો હિન્દુ સમાજના નામે મકાનો ખરીદી વસવાટ કરતા હોવાની ફરીયાદ કરતા સુભાષનગર વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા મકાનોની ડોર ટુ ડોર તપાસણી કરવામાં આવી હતી.
તે બાદ ગઈકાલે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા પણ વોર્ડ નં.7,8 અને 14માં પણ અશાંતધારો લાગુ કરવાની રજૂઆતો કરી હતી. આમ અશાંત ધારાના મામલે બે બે ધારાસભ્યોની રજૂઆત બાદ કલેકટર તંત્ર દ્વારા હવે શહેરના ડઝનથી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.