તળાવમાં ન્હાવા ગયેલા 21 વર્ષીય દેવ ભરડાનું ડુબી જતા મોત
નિકાવા નજીક ન્હાવા ગયેલા 21 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. દેવ ભરડા તેના મિત્રો સાથે પીપળી ગામે ન્હાવા ગયો હતો. જ્યાં તળાવમાં યુવક ગરકાવ થતાં શ્વાસ થંભી ગયા હતા.
બનાવની વિગત મુજબ, મૃતક દેવ કરશનભાઈ ભરડા (ઉ.વ. 21) ગઈકાલે બપોરે તેના મિત્રો સાથે પીપળી ગામે તળાવમાં ન્હાવા ગયો હતો. તે તળાવમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેની સાથેના અન્ય મિત્રો જોઈ જતા તેને બચવવા પ્રયત્ન કર્યો હતો. મિત્રોએ દેવને પાણી બહાર કાઢ્યો હતો. ત્યારે તે બેભાન હાલતમાં હોવાથી દેવના નજીકના મિત્ર પરેશને ફોન કરી તત્કાલ વાહન લઈને તળાવે આવવા જણાવ્યું હતું.
પરેશ વાહન લઈ પહોંચતા દેવને તત્કાલ મેટોડાની ઓમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત ગંભીર જણાતા ડોકટરની સલાહ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે જોઈ-તપાસી દેવને મૃત જાહેર કર્યો હતો.
આ તરફ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. કાલાવડ તાલુકા પોલીસનો સ્ટાફ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. પરિવારજનો અને મૃતકના મિત્રોએ જણાવ્યા મુજબ, દેવ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના કુકસવાળા ગામનો વતની હતો. તે છેલ્લાં બે મહીનાથી નીકાવા ગામે આવેલ અવધ નમકીનમાં મજુરી કામ કરતો હતો અને ત્યાં જ કંપનીના રૂમમાં રહેતો હતો. તે એક ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા ભારે કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.