સ્માર્ટ સિટી તંત્રમાં ગાબડાં રાજ ખોખરા-સી.ટી.એમ.ને જોડતા ફલાય ઓવરબ્રીજ ઉપર છઠ્ઠી વખત ગાબડું પડયું
અમદાવાદ,શનિવાર,20
ઓગસ્ટ, 2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વહીવટી
તંત્રમાં ગાબડાં રાજ ચાલી રહયુ છે.ખોખરા અને સી.ટી.એમ.ને જોડતા છત્રપતિ શિવાજી
ફલાય ઓવરબ્રીજ ઉપર છઠ્ઠી વખત ગાબડું પડતા એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવાની
સત્તાવાળાઓને ફરજ પડી છે.આ ઓવરબ્રીજ ઉપર પડેલાં ગાબડાનું તાકીદે સમારકામ કરવાની
સાથે ઉચ્ચ સત્રીય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા મામલે આવેદનપત્ર આપવામાં
આવ્યુ છે.આ અંગે મળતી માહિતી મુજબ,ખોખરા અને સી.ટી.એમ.ને જોડતો છત્રપતિ શિવાજી ફલાય ઓવરબ્રીજ
પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે.આ ઓવરબ્રીજ ઉપર પાંચ વર્ષમાં સતત છઠ્ઠી વખત
જન્માષ્ટમીના દિવસે ગાબડું પડતા મ્યુનિસિપલ વહીવટી તંત્ર તરફથી બ્રીજ ઉપરથી પસાર
થતા વાહન ચાલકો માટે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.પૂર્વ કોર્પોરેટર
જયોર્જ ડાયસની મળેલી પ્રતિક્રીયા મુજબ,અગાઉના
સમયમાં બનાવવામાં આવેલા બ્રીજમાં સો -સો વર્ષ ઉપરાંતનો સમય પસાર થવા છતાં હજુ સુધી
ગાબડાં પડયા નથી.બીજી તરફ ભાજપના શાસનમાં પાંચ કે સાત વર્ષ પહેલા બનાવવામાં આવેલા
બ્રીજ ઉપર ગાબડાં પડવાનો ક્રમ યથાવત રહેવા પામ્યો છે.
આ ઓવરબ્રીજ ઉપર અગાઉ પણ પાંચ વખત ગાબડાં પડયા હતા.જે તે
સમયે પડેલા ગાબડા પુરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી ઠીગડા
મારી સમારકામ કરવામાં આવતા જન્માષ્ટમી પર્વના દિવસે છઠ્ઠી વખત આ ઓવરબ્રીજ ઉપર
ગાબડું પડયુ છે.એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતા વાહન
ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.આ ઓવરબ્રીજ ઉપર સતત પડી
રહેલાં ગાબડાં મામલે તપાસ કરી સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે ઘટતી કાર્યવાહી કરવા
આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.