ગેંગસ્ટર લોરેન્સનો જેલનો વીડિયો કોલ વાઇરલ:મૂસેવાલા હત્યાના માસ્ટર માઈન્ડે પાક.ના ડોન ભટ્ટીને ઈદની શુભેચ્છા આપી, સાબરમતી જેલના DYSPએ ભાસ્કરને કહ્યું- આ વીડિયો અહીંનો નથી
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સનો 17 સેકન્ડનો વીડિયોકોલ વાઇરલ થયો છે. જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત ડોન શહજાદ ભટ્ટી સાથે વાત કરતો દેખાય છે. લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 16 જૂનનો છે. લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને તિહારથી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ જણાવ્યું કે અમને આ વીડિયોકોલની જાણકારી નથી, અમે તેની તપાસ કરીશું. આ વીડિયોકોલ સામે આવ્યા બાદ એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. માફિયા શહેઝાદ ભટ્ટીનું પાકિસ્તાનમાં હત્યા, જમીન વિવાદ, હથિયારોની દાણચોરી સહિત અનેક ગંભીર કેસોમાં નામ છે. ભાસ્કર વીડિયો અંગે કરવામાં આવેલા દાવાની પુષ્ટિ કરતું નથી. વીડિયો અમારી જેલનો નથી- પોલીસ
હાલમાં લોરેન્સના વાઈરલ થયેલા વીડિયો મામલે અમદાવાદ સાબરમતી પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સનો આ વીડિયો સાબરમતી જેલનો નથી. પોલીસે જણાવ્યું કે લોરેન્સને જેલમાં કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. લોરેન્સ પાસેથી ક્યારેય કોઈપણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ મળી નથી. પોલીસે આ વીડિયો અમારી જેલનો હોવાનો ઈનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું કે દરરોજ લોરેન્સના સેલની તપાસ કરવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે વાઇરલ થયેલા લોરેન્સના વીડિયોની તપાસ કરવામાં આવશે. વીડિયો કોલમાં લોરેન્સે કહ્યું- હું તમને આવતીકાલે અભિનંદન આપીશ...
આ વીડિયોકોલમાં લોરેન્સ ભટ્ટીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવે છે. તેના પર ભટ્ટીએ કહ્યું- આજે નહીં. આજે દુબઈ વગેરેમાં થયું છે. કાલે પાકિસ્તાનમાં થશે. તેના પર લોરેન્સે પૂછ્યું કે આજે તે પાકિસ્તાનમાં નથી. જેના પર ભટ્ટીએ જવાબ આપ્યો કે ના...ના આજે નહીં. આજે બીજા દેશોમાં થયું છે પણ પાકિસ્તાનમાં કાલે થશે. આના પર લોરેન્સે કહ્યું કે તે કાલે ફોન કરીને અભિનંદન આપશે. સિગ્નલ એપ દ્વારા વીડિયોકોલ કરવામાં આવ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વીડિયોકોલ સિગ્નલ એપ દ્વારા કરવામાં આવ્યો છે. આનાથી કોલિંગ ટ્રેસ કરવાનું સરળ નથી. સુરક્ષા એજન્સીઓને એવી પણ શંકા છે કે લોરેન્સ જેલમાં બેસીને આ સિગ્નલ એપ દ્વારા પોતાની આખી ગેંગ ચલાવી રહ્યો છે. ભટ્ટીનું નેટવર્ક વિદેશથી ચાલે છે
શહઝાદ ભટ્ટીનું નેટવર્ક અમેરિકા, કેનેડા, પાકિસ્તાન, દુબઈ અને અન્ય દેશોમાં પણ ચાલે છે. તે તેના બોસ ફારુક ખોખર સાથે સમગ્ર નેટવર્ક ચલાવે છે. રાજકીય સ્તર પર પણ ફારુકની સારી પકડ છે. ફારુક પાકિસ્તાનનો એક વ્યક્તિ છે જેણે સિંહને પાળી રાખ્યો છે અને તેના મોટા કાફલા સાથે પ્રવાસ કરે છે. પછી તે પાકિસ્તાન હોય કે દુબઈ. લોરેન્સે જેલમાંથી 2 ઈન્ટરવ્યૂ પણ આપ્યા છે
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગેંગસ્ટર લોરેન્સે જેલની અંદરથી બે ઈન્ટરવ્યૂ આપ્યા છે. ત્યારબાદ પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડીજીપી યાદવે કહ્યું હતું કે તે ઈન્ટરવ્યૂ અમારી જેલમાં નથી થયા. જેના ત્રણ દિવસ પછી, લોરેન્સે ફરી એક ઇન્ટરવ્યૂ આપ્યો. જેના કારણે પંજાબ પોલીસના દાવા વિખેરાઈ ગયા. ગેંગસ્ટર લોરેન્સનો પહેલો ઈન્ટરવ્યૂ 14 માર્ચની સાંજે પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીજીપી પંજાબે પહેલા ઈન્ટરવ્યૂ બાદ સ્પષ્ટ કહ્યું હતું કે લોરેન્સનો ઈન્ટરવ્યૂ પંજાબની બહાર થવો જોઈએ. ત્રણ દિવસ પછી, 17 માર્ચે, બીજો ભાગ ફરીથી પ્રસારિત થયો. જેમાં લોરેન્સે જેલની અંદરથી ઇન્ટરવ્યૂ લેવાના પુરાવા પણ આપ્યા હતા. તેણે તેની બેરેક પણ બતાવી અને કહ્યું કે તેને બહાર જવાની મંજૂરી નથી, પરંતુ તેનો મોબાઈલ તેની સાથે આવી જાય છે અને સિગ્નલ પણ મળે છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. 2 મોડ્યુલ મોકલીને સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી
લોરેન્સ પર પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવવાનો આરોપ છે. 29 મે, 2022ના રોજ માણસાના જવાહરકે ગામમાં ધડાધડ ગોળીઓ વરસાવીને મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ખુલાસો થયો કે આ હત્યા લોરેન્સના કહેવા પર તેના નજીકના ગેંગસ્ટર ગોલ્ડી બરારે કરાવી હતી. આ માટે તેણે હરિયાણા અને પંજાબના 6 શૂટર્સના 2 મોડ્યુલ મોકલ્યા હતા. જેમાંથી 4 શૂટરો ઝડપાઈ ગયા છે જ્યારે પંજાબના 2 શૂટરો અટારીમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. આ અંગે ગોલ્ડી બરારે ટીવી ચેનલોને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે લોરેન્સના કોલેજ મિત્ર વિકી મિદુખેડાની હત્યામાં મૂસેવાલાએ મદદ કરી હતી, તેના બદલામાં મૂસેવાલાની હત્યા કરવામાં આવી હતી. સલમાન ખાનની પાછળ પડ્યો ગેંગસ્ટર લોરેન્સ
લોરેન્સ હાલમાં સલમાન ખાનની પાછળ પડ્યો છે. ખરેખર, સલમાન પર 1998માં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનનાં જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતા. ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જો કે બાદમાં તેને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માંગે છે. તેણે કોર્ટમાં હાજરી દરમિયાન આ ધમકી પણ આપી છે. દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાન પર હુમલાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે. પરંતુ તેમ છતાં લોરેન્સે તેના સાગરીતોને સલમાન ખાનની પાછળ લગાવ્યા છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પૂર્વ અકાલી મંત્રીએ AAP સરકાર પર સવાલ ઉઠાવ્યા
પંજાબના પૂર્વ અકાલી મંત્રી બિક્રમ મજીઠિયાએ સોશિયલ મીડિયા પર લોરેન્સનો વીડિયોકોલ પોસ્ટ કરીને સીએમ ભગવંત માન અને AAP સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પહેલાં લોરેન્સે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી. હવે પાકિસ્તાની ગેંગસ્ટરને ઈદની શુભેચ્છા પાઠવી. જેલમાંથી ઈન્ટરવ્યૂ આપવા છતાં પંજાબ સરકાર કોઈ કાર્યવાહી કરી શકી નથી. લોરેન્સની ગેંગ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકી આપી રહી છે. તેમણે તેને સામાન્ય માણસના જીવન માટે ખતરો ગણાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે
લોરેન્સનો વીડિયોકોલ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. AAPના પ્રવક્તા નીલ ગર્ગે જણાવ્યું હતું કે સાબરમતી જેલમાં બેસીને લોરેન્સ તેમનું નેક્સસ ચલાવી રહ્યો છે. આ જોઈને પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખડ મૌન થઈ ગયા છે. શું તે આજે ગુજરાતની ભાજપ સરકારને પૂછશે કે લોરેન્સ આ કેવી રીતે કરી રહ્યો છે? જાખરે પંજાબને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પંજાબમાં ડ્રગ્સ આવી રહ્યું છે. ભાજપ અધ્યક્ષે પંજાબ અને આપ સરકારને બદનામ કરવાને બદલે સત્યની રક્ષા કરવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.