જામનગર જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ જુગારીયા તત્વોની જુગારની જમાવટ
- ગઈ રાત્રે પોલીસના ૬ સ્થળે દરોડા: રૂપિયા અડધા લાખની માલમતા સાથે ૨૮ પત્તાપ્રેમી ગીરફતાર; અન્ય ત્રણ ફરારજામનગર તા.25 જુલાઈ 2022,સોમવાર જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ કેટલાક જુગરિયા તત્વો જુગારની રંગતમાં જોડાઈ ગયા છે. પરંતુ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે, અને ગઈ રાત્રે ૬ સ્થળે જુગાર અંગે દરોડા પાડી ૨૮ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા છે, જ્યારે તેઓ પાસેથી રૂપિયા અડધા લાખની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગર તાલુકાના સિક્કામાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી હિતેશ સામતભાઈ પરેશા સહિત પાંચ શખ્સોને પકડી પાડ્યા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી લલનરામ કેશવરામ સહિત પાંચ શખ્સોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા ૧૧,૨૫૦ ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. ઉપરાંત મેઘપરમાં જ બીજા દરોડામાં રૂપિયા ૧૦,૪૦૦ ની માલમત્તા સાથે ચાર પત્તા પ્રેમી પકડાયા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા દિલીપ રમણિકગર ગોસાઈ સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે પોલીસને જોઈને એલીયાસ હબીબ ચાવડા, હનીફ ઉંમર સુમારીયા, અને ઝાકીર લતીફ મકવાણા ભાગી છુટ્યા હોવાથી ત્રણેયને ફરાર જાહેર કરાયા છે. જોડિયા તાલુકાના મોરાણા ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા નરેશ બાબુભાઈ દેવીપુજક સહિત પાંચ શખ્સોની પોલિસે અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે જામનગર તાલુકાના શેખપાટ ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા અરવિંદ વાલજી ધારેવાડિયા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી લઈ, રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.