અંબિકા ટાઉનશીપમાં કોર્પો.ના પ્લોટ-રોડ પર દબાણોના ખડકલા : સ્ટે.ચેરમેન લોકો સાથે દોડયા
મવડીમાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવતા શ્રીનાથજી પાર્કમાં ગઇકાલે દેશી દારૂના દુષણ પર વિસ્તારના લોકોએ જનતા રેડ કરતા પોલીસ દોડી હતી. આ પ્રવૃતિ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ બાદ પણ સમસ્યા હલ ન થતા આજે ગેરકાયદે બાંધકામો અને દબાણોનો ગંભીર પ્રશ્ર્ન લઇને વિસ્તારના ભાઇઓ તથા બહેનો મહાપાલિકાએ દોડી આવ્યા હતા. કોર્પો.ના કિંમતી પ્લોટ પર દબાણની રૂબરૂ ફરિયાદ કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકર તાબડતોબ વેસ્ટ ઝોનના અધિકારીઓને લઇ સ્થળ પર પહોંચ્યા હતા. જયાં અનઅધિકૃત બાંધકામો માલુમ પડતા તાત્કાલીક ડિમોલીશનની નોટીસ આપવા અને વધુમાં વધુ પખવાડીયામાં દબાણો હટાવવા આદેશ આપતા લોકોને તંત્રની ઝડપી કામગીરીથી વિશ્ર્વાસ બેઠો હતો.
આજે સવારે અંબિકા ટાઉનશીપ રોડ, વીવાયઓ રોડ, મવડી પોલીસ હેડકવાર્ટસ પાસે ગોલ હાઇટસ પાછળ આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટી એસો.ના રહેવાસીઓ ગેરકાયદે દબાણ મામલે રજૂઆત કરવા કોર્પો.એ પહોંચ્યા હતા. બહેનોએ રોષ સાથે થાળીઓ વગાડીને સુત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં ડે.કમિશ્ર્નર ચેતન નંદાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે શ્રીનાથજી પાર્કમાં દારૂ વેંચવાના ધંધા સાથે ગેરકાયદે દબાણો પણ થયા હોય, અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં દબાણ હટાવવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ દબાણો કેટલા સમયમાં હટશે તેની માહિતી માંગી હતી. આ સોસાયટીના કુલ ત્રણ માર્ગ ફાળવવામાં આવ્યા છે. રસ્તા નં.2 અને 3 ખુલ્લા છે. પણ રસ્તા નં. 1 નકશામાં હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાં ગેરકાયદે કાચા-પાકા બાંધકામ થઇ ગયા છે અને હજુ ઘણા બાંધકામ ચાલી રહ્યા છે. ત્યાં વીજળીનું કનેકશન પણ છે. આ જગ્યા ખુલ્લી કરાવવી આપવા તેમણે માંગણી કરવા સાથે જુની રજુઆતો પણ જોડી હતી.
ડે.કમિશ્ર્નર બાદ લોકો સ્ટે.ચેરમેનને મળવા ગયા હતા. ફલેટ પાછળના ટીપી રોડ અને કોર્પો.ના પ્લોટના દબાણ અંગે રજુઆતો બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. આથી આ બાબત ગંભીર લાગતા ચેરમેન જયમીન ઠાકર તુરંત સ્થળ પર દોડયા હતા. અધિકારીઓની હાજરીમાં તેમણે રસ્તા અને પ્લોટના નકશા જોયા હતા. બાદમાં જે જે જગ્યાએ દબાણ હોવાનું દેખાતા તુરંત ટીપી શાખાને ડિમોલીશનની નોટીસ આપવા સૂચના આપી છે. આજે આ નોટીસ અપાઇ જાય તે બાદ પખવાડીયામાં કોર્પો.ના પ્લોટ અને રોડની જગ્યા ખુલ્લી કરાવવા આદેશ આપ્યો છે. આ ગેરપ્રવૃત્તિ રોકવા દબાણો હટાવવા જરૂરી હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.વોર્ડ નં.11માં સમાવિષ્ટ થતા શ્રીનાથજી પાર્ક વિસ્તારની પાસે રસ્તા પર તથા મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં.26 (મવડી) (પ્રારંભિક)ના રિઝર્વેશન પ્લોટ નં.6એ (એસઇડબલ્યુએસએચ) પર હાલ આવેલ ગેરકાયદેસર બાંધકામો અન્વયે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ટાઉન પ્લાનિંગ શાખાના નિયમોને આધિન ગેરકાયદે બાંધકામો દુર કરવાની સુચના આપી હતી.
સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ અને મવડી વિસ્તારમાં શ્રીનાથજી પાર્ક પાસે રસ્તા પર અને કોર્પો.ના રિઝર્વેશન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું ધ્યાને આવતા સ્ટે.ચેરમેને તાત્કાલિક સ્થળ પર જઈ સીટી ઇજનેર કુંતેશ મહેતા, ટીપી શાખાના અધિકારીઓ સાથે જ રાખી રૂબરૂ તપાસ કરી હતી. સ્થળ પર જ ચેરમેને જે તે શાખાના અધિકારીને ગેરકાયદેસર બાંધકામ દુર કરવા સુચના આપી સ્થાનિક રહેવાસીઓને ખાત્રી આપી હતી કે, જેમણે આ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેને નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવવામાં આવશે તેમજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરી બાંધકામ દુર જગ્યા ખુલ્લી કરવામાં આવશે.આમ દેશી દારૂના દુષણની ફરિયાદમાંથી ગેરકાયદે દબાણોનો ભાંડો પણ ફૂટયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.