ગ્રીનલેન્ડ ચોકડી પાસે 16 વર્ષની સગીરાનો ફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પરપ્રાંતીય 16 વર્ષની સગીરાએ મોટી બહેનના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકને મગજ ભમતો હોવાનું રટણ કર્યે રાખતી હોવાથી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે લક્ષ્મણ પાર્ક મેઈન રોડ પર ફોર્જિંગ ફોર કારખાના પાછળ મોટી બહેનના ઘરે રહેતી પૂનમ છનુલાલ નંદા (ઉ.વ.16) એ ગઈકાલે બપોરના સમયે ઘરે પરિવારજનો સુઈ ગયાં બાદ રૂમમાં છતના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં તેમની મોટી મોટી બહેને તપાસ કરતાં પૂનમને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં આક્રંદ મચાવ્યો હતો. બાદમાં પરિવારજનોએ 108 ને જાણ કરતાં 108 ની ટીમે સગીરાને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કોઠીવાલ દોડી આવ્યાં હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક મૂળ મધ્યપ્રદેશની વતની અને તે ચાર બહેન એક ભાઈમાં નાની હતી. તેમના પિતાનું અવસાન થયાં બાદ તેણી તેની રાજકોટ રહેતી મોટી બહેન સાથે રહેતી હતી. થોડાં સમયથી તે મગજ ભમતો હોવાનું રટણ કર્યે રાખતી હોવાથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.