ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી "રંગલા" નું ૮૧ વર્ષે નિધન - At This Time

ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી “રંગલા” નું ૮૧ વર્ષે નિધન


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી "રંગલા" નું ૮૧ વર્ષે નિધન

ભવાઈ, નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ એમ વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી

ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની ૫૦૦ જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી

અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, સુપર સ્ટાર હિતેન કુમાર, ફિરોજ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન સેર કરી*

નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત જૂની ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી "રંગલા" નું ૮૧ વર્ષે નિધન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. કલા જગતમાં "તુરી કાકા" તરીકે આદરભર્યું સ્થાન મેળવનાર રમેશ તુરીની વિદાયથી ભવાઈ કલાનો જગમગતો છેલ્લો સિતારો અસ્ત પામ્યો છે. ભવાઈ, નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા અભિવ્યક્તિના વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી તેમણે જીવનના રંગમંચ પરથી કાયમ માટે વિદાય લીધી છે.

રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું. તેમનું વતન અને જન્મસ્થળ પાટણ તાલુકાનું બાલીસણા ગામ છે. જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે. રમેશ તુરી જન્મજાત ભવાઈનો વ્યવસાય કરતી તુરી કોમના હતા. આથી કળા વારસો એમના લોહીમાં હતો. બાપદાદાના આ વારસાને એમણે આજીવન સાચવી રાખ્યો અને અનેકવિધ પાત્રો સાથે રંગલાના પાત્રથી આગવી ઓળખ મેળવી હતી.

વર્ષ ૧૯૫૪ થી ભવાઈ સાથે જોડાયા ત્યારબાદ તેમણે કદી પાછું વળી જોયું નથી. પ્રથમ ગુજરાતી ફિલ્મ શેઠ સગાળશાથી શરૂઆત કર્યા બાદ તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની ૫૦૦ જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, સુપર સ્ટાર હિતેન કુમાર, ફિરોજ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન સેર કરી તો તેમના લખેલા સંવાદો અને પટકથા પર અનેક કલાકારોએ પોતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી છે. નાટ્ય ક્ષેત્રે આપેલા તેમના યોગદાનની કદર રૂપે રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ ૨૦૧૨ માં ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બી.એસ.એન.એલ રાજકોટ કચેરીમાં ચાલીસેક વર્ષ લાંબી નોકરી કરી રમેશ તુરી વર્ષ ૨૦૦૨ માં નિવૃત્ત થયા હતા. ઓલ ઇન્ડિયા બી.એસ.એન.એલ કર્મચારી યુનિયનના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરને પોતાના આદર્શ માનતા રમેશ તુરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૫ માં "ભીમ રત્ન" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનમાં બી ગ્રેડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે અને દૂરદર્શન રાજકોટ તથા દૂરદર્શન અમદાવાદમાં નિર્માતા, દિગ્દર્શક, લેખક અને અભિનેતા તરીકે તેઓ સતત કાર્યશીલ રહ્યા. કોરોના કાળમાં આકાશવાણી રાજકોટ માટે તેમણે ભવાઇના ફોર્મેટમાં રેડિયો નાટક લખી રંગલાના પાત્ર દ્વારા લોક જાગૃતિનું કામ કર્યું હતું.જેને ખૂબ લોક ચાહના મળી હતી.

ગુજરાતી ફિલ્મ "લાગ્યો કસુંબીનો રંગ" માં તેમણે પોતાના બંને પુત્રો મેક અપ આર્ટિસ્ટ હરેશ તુરી અને અભિનેતા હિમાંશુ તુરી સાથે અભિનયના અજવાળા પાથર્યા હતા. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ "રણભૂમિ"માં મુખ્ય સહાયક દિગ્દર્શક અને પટકથા સંવાદ લેખક તરીકે કામ કર્યું હતું.

તુરી બારોટ સમાજ માટે સમાજ શ્રેષ્ઠી અને સમાજિક સંસ્થામાં તજજ્ઞ તરીકે આજીવન સેવાઓ આપી તેમણે અનેક નવા કલાકારોને તૈયાર કર્યા છે. આજીવન કલાના ઉપાસક અને નખશિખ કળાનો જીવ ધરાવતા રમેશ તુરી ત્રણ ત્રણ વાર મૃત્યુને હાથતાળી આપી આખરે જીવનના રંગમંચ પરથી અલવિદા કહી ગયા છે. તેમના નિધનથી તુરી બારોટ સમાજને ન પૂરાય એવી ખોટ પડી છે. મૃત્યુના એક અઠવાડિયા પહેલાં બાલીસણા આવ્યા ત્યારે વીસ દિવસ આઇ.સી.યું માં રહીને આવ્યા હોવા છતાં અને નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે કુળદેવી ભવાની માતાના મંદિરે ગીત સંગીતના તાલે અદ્ભુત ડાન્સ કરી તેમનામાં રહેલા કલાકાર જીવની સૌને ઓળખ કરાવી હતી.

(બોક્સ)
*રમેશ તુરી " રંગલા" ની કર્મભૂમિ રંગીલું રાજકોટ શહેર રહ્યું*

પાટણ તાલુકાના બાલીસણાના વતની રમેશ તુરીની કર્મભૂમિ રાજકોટ રહી. રંગીલા રાજકોટ શહેરે તેમને ખૂબ નામ, દામ અને કામ આપ્યું. રાજકોટ, અમદાવાદ, મુંબઈના ખ્યાતનામ હોલ માં તેમણે અનેક નાટકો ભજવ્યાં અને ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનેક ફિલ્મોમાં સેવા આપી. "વાવ" નાટકમાં ત્રીપલ પાત્ર ભજવ્યું. તો " પત્તાંની જોડ" માં યુવાન અને વૃદ્ધની બેવડી ભૂમિકાથી લોકોની ખુબ વાહવાહી મેળવી. થિયેટર, નાટક , ભવાઈ , રેડિયો, ટીવી અને ફિલ્મ એમ અભિવ્યક્તિ અને કલાના દરેક મંચ પર અનેક વિધ પાત્રો ભજવી તેઓ આજીવન કલાકાર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.