કાલાવડમાં એક ખેડૂતની ખેતીની જમીનના દસ્તાવેજના આધારે કૃષિ સહાય મેળવી લઇ છેતરપિંડી : બે ભાગીદારો સામે ફરિયાદ
જામનગર તા 24 જુન 2022,શુક્રવાર જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને ખેતીકામ કરતા એક ખેડૂતની જમીનના દસ્તાવેજના આધારે તેના બે ભાગીદારોએ કૃષિ સહાય મેળવી લીધા પછી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા વિનોદભાઈ પરસોતમભાઈ રાખોલીયા નામના ખેડૂતે પોતાના જ કુટુંબીઓ અને ખેતીની જમીનમાં ભાગીદાર એવા જીગ્નેશભાઈ લખમણભાઇ રાખોલીયા, અને અશ્વિનભાઈ રામજીભાઈ રાખોલીયા સામે પોતાના જમીનના કાગળો ના આધારે ખેતી બેંકમાં કૃષિ સહાય મેળવી લઈ ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું અને તાલુકા પંચાયતની કચેરીમાં રજુ કર્યું હતુંજે દસ્તાવેજના આધારે રૂપિયા ૩૩,૬૦૦ ની કૃષિ સહાયની રકમ મેળવી લઈ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાનું જાહેર કર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ પોલીસે જીગ્નેશ રાખોલીયા અને અશ્વિન રાખોલીયા સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૭૧, અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.