3 બાળકને ગણતરીની કલાકમાં શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
શ્રમિક પરિવારનાં બાળકો કોન્ટ્રાક્ટરની ઓફિસે ચા લેવા ગયા બાદ ગુમ થયા’તા.
કોઠારિયા રોડ પરના ગોકુલનગરમાં બની રહેલા બજરંગ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની બાંધકામ સાઇટ પર કામ કરતા પરપ્રાંતીય શ્રમિકના ત્રણ બાળકો અક્ષય રમેશભાઇ ભાભોર (ઉ.વ.8), અંજલી કૈલાશભાઇ પવાર (ઉ.વ.9) તથા ડાલીબાઇ કૈલાશભાઇ પવાર (ઉ.વ.7) શનિવારે મોડીસાંજે રમતા રમતા લાપતા થઇ ગયા હતા, શ્રમિક પરિવાર અને બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરે તપાસ કરી હતી પરંતુ બાળકોનો પતો નહી લાગતાં અંતે પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયૂરધ્વજસિંહ સરવૈયા અને પીએસઆઇ એચ.એન.રાયજાદા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે લાપતા બાળકોની તસવીરો મેળવી હતી અને આસપાસના વિસ્તારના વેપારીઓ તથાં લોકોને તસવીર બતાવી બાળકોની ભાળ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
બીજીબાજુ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા હતા, દરમિયાન બાળકો 50 ફૂટ રોડ પર હનુમાનજીના મંદિર પાસે જોવા મળ્યાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં દોડી ગઇ હતી અને લાપતા બાળકોનો કબજો મેળવી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા, માસૂમ બાળકોએ કહ્યું હતું કે, બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરની ઓફિસે ચા લેવા થર્મોસ લઇને ગયા બાદ શેરી ગલીમાં ભૂલા પડી ગયા હતા, વિખૂટા થયેલા બાળકો હેબતાઇ ગયા હોય પોલીસે નાસ્તો આપી પરિવારને બોલાવી સોંપી દીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.