વડોદરા: મહી નદીમાં પૂરને કારણે વડોદરા કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવામાં માટી અને કાંપનો ભરાવો થવાની શક્યતા
- સીલ્ટીંગ ન થાય તે માટે ફ્રેન્ચ કૂવાના વાલ્વ બંધ કરાયા- હાલ બે પંપ બંધ, 25 એમએલડી પાણીની ઘટ - પાણીની ઘટ પૂરી કરવા ટ્યુબવેલ ચાલુ કરાયા- નદીમાં પુર ઓસરતા અને ચોમાસા બાદ ડ્રેજીંગ વડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવા મહી નદી ખાતે આવેલા છે. મહી નદીમાં કડાણા ડેમમાંથી પુષ્કળ પાણી છોડાતા છેલ્લા બે દિવસથી પૂર આવ્યું છે. મહિમા પૂરના લીધે કોર્પોરેશનના આ ફ્રેંચ કુવામાં માટી અને કાંપનો ભરાવો થવાની શક્યતા છે. મહિ નદીમાં ગઈકાલે સપાટી 15 મીટર સુધી પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તેમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે સવારે લેવલ 11.50 મીટર હતું. આ ચારેય ફ્રેન્ચ કુવા ઉપરાંત સિંધરોટ ઇન્ટેક વેલને પણ અસર થવાની શક્યતા છે. ફ્રેન્ચ કૂવામાં માટી અને કાંપનો બહુ ભરાવો ન થઈ જાય તે માટે કુવાના જે રેડીયલ છે તેના પાઈપોના વાલ્વ બંધ કરી દીધા છે. હાલ બે પંપ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે 25 એમએલડી પાણીની ઘટ છે. જોકે આ ઘટ પૂરી કરવા ટ્યુબ વેલ ચાલુ કરવામાં આવે છે મહી નદીથી કોર્પોરેશન 300 એમએલડી પાણી મેળવે છે. જેના બદલે હાલ 275 એમ એલ ડી પાણી મળે છે. વર્ષો અગાઉ જ્યારે સિંધરોટ પાસે આડબંધ ન હતો ત્યારે કોર્પોરેશનને પૂર ઉતરી ગયા બાદ અને ચોમાસાની વિદાય પછી નદીમાં ફુવા ફરતે પાળા બનાવવા પડતા હતા. પરંતુ હવે આડબંધને લીધે કુવાઓ ફરતે પાણી ભરેલા રહે છે, અને હોડીનો સહારો લઈને ડ્રેજીંગ કરવું પડે છે, અને માટી કાપ બહાર કાઢવો પડે છે. દર ચોમાસા પછી હવે આવું કરવું પડે છે. આ વખતે પૂર વધુ હોવાથી માટી અને કાપની સમસ્યા વધુ રહેશે, અને તેના લીધે પાણીમાં ડહોળાશ પણ આવશે. ડહોળા પાણીને લીધે લોકોને પાણી ઉકાળીને વપરાશમાં લેવું પડશે. રાયકા કુવાને બાદ કરતા આડબંધને લીધે બીજા ત્રણ ફ્રેન્ચ કુવા ફરતે પાણી ભરાયેલા રહે છે. પૂર ઉતરતા હવે ચોમાસું પૂરું થતાં ડ્રેજીંગ કરવાની કામગીરી થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.