ગ્લોબલ વોર્મિંગની અસર:પહેલી વાર કાશ્મીરમાં લૂ, 7 દિવસથી તાપમાન 32૰થી વધુ
એક બાજુ દેશમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે ને બીજી બાજુ ઉનાળામાં પણ ઠંડકની અનુભૂતિ કરાવતી કાશ્મીર ખીણ અત્યારે તપી રહી છે. શ્રીનગર હોય કે ગુલમર્ગ, સોનમર્ગ હોય કે પછી અમરનાથ યાત્રાનો રૂટ, પહેલી વાર સમગ્ર ખીણમાં લૂ ફૂંકાઈ રહી છે. પારો સતત 32 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે. ગુરુવારે 35.7 ડિગ્રી તાપમાન હતું જે સામાન્યથી લગભગ 7 ડિગ્રી વધુ છે. આ પહેલાં 9 જુલાઈ, 1999એ શ્રીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોમાસું જમ્મુ-કાશ્મીરના બારણે ટકોરા દઈ રહ્યું છે ત્યારે હીટવેવને પગલે ખીણની શાળાઓમાં 17 જુલાઈ સુધી ઉનાળાની રજા જાહેર કરી દેવાઈ છે. આરોગ્ય વિભાગે પણ હૅલ્થ એડ્વાઇઝરી પ્રસિદ્ધ કરી છે. જે વિસ્તારોમાં 15 દિવસ પહેલાં જ્યાં ભારે ભીડ હતી ત્યાં ઉનાળાને કારણે પ્રવાસીઓ ઘટી ગયા છે. આગામી 3-4 દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ વરસાદ પછી ફરીથી તાપમાનમાં વધારો થવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. વિભાગના નિદેશક ડૉ. મુખ્તાર અહેમદના કહેવા પ્રમાણે આ ગ્લોબલ વૉર્મિંગની અસર છે. પહેલી વાર સતત એક સપ્તાહથી સમગ્ર રાજ્યમાં હીટવેવ ચાલે છે. આખું વર્ષ ઠંડા રહેતા પર્વતીય વિસ્તારોમાં પણ પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ છે. 1976માં સતત 23 દિવસ 30થી 35 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. ગરમીનાં 2 કારણ... બરફવર્ષા ઘટી, અસંખ્ય પ્રવાસીઓ
1 અહેમદના મતે જાન્યુઆરી અને ડિસેમ્બર, 2023માં ખીણમાં બરફવર્ષા ન થઈ. પછીથી જે બરફ પડ્યો એ માર્ચથી જ તાપમાન વધતાં ઝડપથી ઓગળવા લાગ્યો. અત્યાર ચોમાસું પણ મોડું પડ્યું હોવાથી હવામાં ગરમી વર્તાય છે. 2 પ્રવાસન વિભાગના મતે આ વર્ષે જાન્યુઆરીથી મે સુધી જ્યાં વિક્રમી 12.50 લાખ પ્રવાસી ખીણમાં આવ્યા હતા. ગયા આખા વર્ષમાં 2.11 કરોડ પ્રવાસી હતા. એટલે કે ડિસેમ્બર, 2024 સુધી પ્રવાસીઓનો આંકડો વિક્રમી સ્તરે વધી શકે છે. દેશની સ્થિતિ... ચોમાસું પૂર્વોત્તર પર ઓળઘોળ, ઘટ 11%થી ઘટીને 3%
દેશમાં 30 જૂન સુધી ઋતુના વરસાદનો ક્વોટા સામાન્ય કરતાં 11% ઓછો હતો પરંતુ પૂર્વોત્તર ભારતમાં પડી રહેલા વરસાદને પગલે ઘટીને 3% થયો છે. ચોમાસામાં અત્યાર સુધીમાં 190.6 મિમી વરસાદ પડ્યો છે જે સામાન્ય વરસાદના ક્વોટાના 196.9 મિમી કરતાં ઓછો છે. પૂર્વોત્તરમાં આટલા વરસાદ છતાં ક્વોટા 14% પાછળ છે. દક્ષિણમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ પડી ચૂક્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.