તબેલામાં છુપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે પશુપાલક ઝડપાયો
રાજકોટ: તા.15 : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ નજીક આવેલા પશુના તબેલામાં છુપાવેલા દારૂ બિયરના જથ્થા સાથે પશુપાલક દર્શન આહીરને રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી દબોચી લીધો હતો. જ્યારે બુટલેગર પ્રકાશ આહીર નાશી છૂટતાં શોધખોળ આદરી હતી. દરોડાની વિગત અનુસાર રૂરલ એલસીબી પીઆઇ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિદેવ બારડ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ નજીક આવેલા ખંઢેરી સ્ટેડિયમ નજીક આવેલા પશુ રાખવાના તબેલામાં દારૂનો જથ્થો ઉતારેલ છે.
બાતમીના આધારે કોન્સ્ટેબલ પ્રકાશ પરમાર અને ભાવેશ મકવાણા સહિતના સ્ટાફે દરોડો પાડતા તબેલામાં બનાવેલ ઓરડીમાંથી છુપાવેલ દારૂની 264 બોટલ રૂ.95 હજાર અને બિયરના 48 ટીન રૂ. 4800, મોબાઈલ ફોન મળી રૂ.1.25 લાખના મુદ્દામાલ સાથે દર્શન પ્રકાશ સોનારા( ઉ.વ.20)(રહે. ખંઢેરી, પડધરી)ને દબોચી પૂછપરછ હાથ ધરી હતી. અને દારૂ બિયરનો જથ્થો તેના પિતા પ્રકાશ કાના સોનારા વેંચવા માટે લઈ આવ્યાનું કબુલતા પોલીસે તેની શોધખોળ આદરી હતી.
ખંઢેરીમાં રહેતા પશુપાલક પ્રકાશ સોનારા અને તેના પુત્ર દર્શન સાથે મળીને પશુઓની આડમાં દારૂનો વેપાર ચાલુ કર્યો હતો. પોલીસના દરોડામાં ઝડપાયેલા પુત્ર દર્શને જણાવ્યું હતું કે તેના પિતા દારૂની ખેપ મારીને જથ્થો ઉતારતા હતાં. અને મને રાખેવાળીનું કામ સોંપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.