રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી
રાજકોટ, તા.12 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાબે દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદનાં પગલે જળાશયોમાં ફરી નોંધપાત્ર માત્રામાં નવાનીર આવ્યા છે. છેલ્લા ર4 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં 9 સહિત સૌરાષ્ટ્રના 25 ડેમોમાં 0॥ થી 3 ફુટ જેટલું નવું પાણી ઠલવાયું છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં વ્યાપક વરસાદનાં પગલે આજી-1, ભાદર-1, ન્યારી-1 સહિતનાં નવા નીર આવ્યા છે અને રાજકોટ જિલ્લાનાં 10 ડેમો ફરી એક વાર ઓવરફલો થઇ ગયા છે. રાજકોટને પાણી પુરૂ પાડતો ન્યારી-1 ડેમ પણ ઓવરફલો થઇ ગયો છે અને પાંચ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે.
રાજકોટ તાલુકાના વાજડી-વીરડા ગામ પાસે આવેલા ન્યારી-1 ડેમના પાંચ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં છ હજાર કયુસેક પાણીની આવક છે અને છ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગામ અને ગઢવાળી વાજડી લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપર (પાળ) જયારે પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામના લોકો એ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
જયારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામ પાસે આવેલ છાપરવાડી-2 ડેમ હાલ ઓવરફલો થઇ ગયેલ હોવાથી ડેમનો 1 દરવાજો, 1 ફુટ ખોલવામાં આવ્યો છે. અને એક દરવાજો 0.પ ફુટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે હાલ પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા જણાવાયું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ પણ હાલ ઓવરફલો થઇ જતા ડેમનો 1 દરવાજો 0.25 ફુટ ખોલવામાં આવ્યો છે.
તથા રાજકોટ તાલુકાના માધાપર પાસેનો આજી-2 ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઇ ગયેલ છે. ડેમનો 1 દરવાજો 1 ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમમાં 678 કયુસેક પાણીની આવક સતત ચાલુ છે. તેમજ ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ગત રાત્રે 10.50 વાગ્યાની સ્થિતએ ઓવરફલો થઇ ગયો છે.
આથી હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલીયા અને વોરાકોટડા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહી કરવા તેમજ સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યું છે. તથા કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામ પાસેના વાછપરી ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઇ ગયેલ છે અને 1 ફુટ ઓવરફલો ચાલુ છે. કોટડાસાંગાણી તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરાંત ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર-ર ડેમ ઓવરફલો થઇ ગયેલ છે. ડેમના 3 દરવાજા 3 ફુટ રાત્રે બાર વાગે ખોલવામાં આવેલ. દરમ્યાન રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ નિર્ધારત સપાર્ટીએ ભરાઇ ગયેલ છે. ડેમનો 1 દરવાજો બે ફુટ ખોલવામાં આવ્યો છે.
ડેમની હેઠવાસમાં આવેલ પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંડેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા અને ટંકારાના સખપર, કોઠારીયા સહિતના ગામના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમે જણાવેલ છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1માં 24 કલાકમાં 0॥ ફુટ પાણી આવતા ડેમની સપાટી 32.60 ફુટે પહોંચી છે અને ડેમ છલકાવામાં હજુ દોઢ ફુટનું છેટુ છે. ખાસ કરીને રાજકોટનો આજી-1 ડેમ, છલકાવા આડે હવે માત્ર 0॥ ફુટનું છેટુ છે. 24 કલાકમાં આજી-1માં પોણો ફુટ પાણી આવતા ડેમની સપાટી 28.40 ફુટે પહોંચી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે આજી-1, 29 ફુટે છલકાય છે. વધુમાં રાજકોટ સિંચાઇ ફલડ સેલનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાનાં મચ્છુ-1, 2માં અર્ધો ફુટ ડેમી-1માં અર્ધો ફુટ અને ડેમી-2માં 0.16 ફુટ તેમજ જામનગરનાં સસોઇમાં 0.16 ફુટ, ફુલઝર 1માં 0.36 ફુટ, રંગમતીમાં પોણા બે ફુટ, ઉંડ-1માં પોણો ફુટ અને રૂપાવટીમાં પોણો ફુટ નવા નીર ઠલવાયા છે.તથા દ્વારકા જિલ્લાનાં વર્તુ-2માં પોણો, વેરાડી-રમાં અર્ધો અને મીણસાર (વાનાવડ)માં 0.33 ફુટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનાં નાયકામાં 0.30 ફુટ, ધોળીધજામાં દોઢ ફુટ, સબુરીમાં 3 ફુટ અને ફલકુમાં 0॥ ફુટ નવું પાણી ઠલવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.