રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે ગરમ તાપમાનને લઈને ગુજરાત સરકારની વિશેષ એડવાઈઝરી
(અજય ચૌહાણ દ્વારા)
ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વૉર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ. બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી વધુ તાપમાનમાં વાવેતર ટાળવું,પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું (શક્ય હોય તો ફુવારાથી) જરૂરી છે. રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ નથી, ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. આ અગમચેતીના પગલાંને અનુસરીને ખેડૂતો નુકસાનને નિવારી શકશે તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની મેઘદુત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો કૃષિ હવામાન એડવાઈઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.