પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતેથી “સ્વચ્છતા હી સેવા” અભિયાનની શરૂઆત કરાઈ
ગોધરા
પંચમહાલ જિલ્લામાં આજે તા ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન યોજાનાર “સ્વચ્છતા હી સેવા (SHS)“ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે. બારીઆના નેતૃત્વમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ઘોઘંબા ખાતે આવેલી તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. જિલ્લાના શહેરોના મુખ્ય સ્પોટથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓએ અભિયાન દરમિયાન સફાઈ કરવામાં આવનારી છે.
ઘોઘંબા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે બાદ માનવ સાંકળ રચીને સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પ્રાથમિક શાળાના સંકુલમાં વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સહભાગી બનીને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા સહિત વિવિધ મહાનુભાવો,અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.