જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર:નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરને સ્પીકર તરીકે પસંદ કરાયા, 7 વખતથી ધારાસભ્ય છે
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર પહેલા નેશનલ કોન્ફરન્સના સીનિયર ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરને સ્પીકર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમાં સ્પીકર માટે નેશનલ કોન્ફરન્સના સીનિયર ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. રાથર સાતમી વખત ધારાસભ્ય બન્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ વિધાનસભામાં સૌથી સીનિયર ધારાસભ્ય છે. કોંગ્રેસ, CPI (M), આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે
અબ્દુલ્લા સરકાર ભાજપને ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકે છે. જો કે, હજુ સુધી સરકાર દ્વારા ભાજપને આ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી. આજે મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સુનીલ શર્માને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હશે. જ્યારે સત શર્માને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આતંકવાદી હુમલા મામલે સત્રમાં હોબાળો થવાની શક્યતાઓ
ઓમર અબ્દુલ્લાએ સીએમ તરીકે શપથ લીધા બાદ રાજ્યમાં 6 આતંકી હુમલા થયા છે. લશ્કરના કમાન્ડર સહિત 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. 3 જવાનો પણ શહીદ થયા હતા. આ ઉપરાંત 8 પરપ્રાંતિય મજૂરોના પણ મોત થયા છે. રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આતંકવાદીઓએ પરપ્રાંતિયોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લાએ આતંકવાદીઓ પર આપેલા નિવેદનને લઈને પણ સત્રમાં હંગામો થવાની શક્યતા છે. ખરેખરમાં ફારુકે કહ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને મારવા જોઈએ નહીં, પરંતુ તેમની ધરપકડ કરવી જોઈએ. આ અંગે ભાજપે ફારૂક પર નિશાન સાધ્યું હતું. ઓમર સીએમ બન્યા બાદ 8 હુમલા રાજ્યસભાની 4 બેઠકો પર પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે
જમ્મુ-કાશ્મીરની 4 રાજ્યસભા બેઠકો પર પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ માટેની ચર્ચાઓ અત્યારથી જ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં જીતેલી બેઠકો અનુસાર રાજ્યસભાની બે બેઠકો એનસી-કોંગ્રેસ ગઠબંધન અને એક ભાજપને મળી શકે છે. એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. બાકીની એક બેઠક પર ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીમાં આ બેઠક કોને મળશે, તે સમયના રાજકીય સમીકરણો પરથી જ નક્કી થશે. 2015માં પણ આવી જ સ્થિતિ હતી. તત્કાલિન સત્તાધારી પીડીપી-ભાજપને એક-એક બેઠક મળી હતી. ત્યારપછી એનસીએ કોંગ્રેસના ઉમેદવાર (હવે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતા) ગુલામ નબી આઝાદને સમર્થન આપ્યું હતું. ચોથી સીટ ચૂંટણી બાદ પીડીપી-ભાજપ ગઠબંધનના ખાતામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.