વડોદરા: નવા યાર્ડની મહિલા પાસેથી પઠાણી વ્યાજ ઉઘરાણી કરતી ત્રિપુટી સામે આખરે ફરિયાદ
વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારવડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસ અંગે અનેક બૂમો ઊઠ્યા બાદ આખરે હવે વિધવા મહિલાએ ફતેગંજ પોલીસ મથકે વ્યાજખોર ત્રિપુટી વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોર ત્રિપુટીએ કોરા ચેકમાં ખોટી રકમ ભરી રિટર્ન કરાવી ખોટા કેસમાં ભેરવી દેવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ છે. નવાયાર્ડ ખાતે રહેતી 52 વર્ષીય વિધવા મહિલા શારદાબેન મહિડાએ ફરિયાદ નોંધાવી હતી કે, મકાનના દસ્તાવેજ માટે પાડોશી અને વ્યાજે નાણા આપવાનો ધંધો કરતા દીપકભાઈ મહીજીભાઈ મકવાણા ( રહે - રમણીકલાલની ચાલ, નવાયાર્ડ ) પાસેથી 10 ટકા વ્યાજે 55 હજાર લીધા હતા. જેના બીજા દિવસે દીપકભાઈના ભાભી પુષ્પાબેન સંજયભાઈ મકવાણા ઘરે આવી બળજબરી પૂર્વક બેંકના કોરા ચેક મારા દીકરાની સહીવાળા લઈ ગયા હતા. ત્યારબાદ 48 મહિના સુધી મૂળ રકમ ઉપર 10 ટકા લેખે કુલ 2.64 લાખ દીપકભાઈ મકવાણાને ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો વારંવાર ધમકી આપી વધુ નાણાંની માંગણી કરતા હતા. અને જણાવતા હતા કે તારા દીકરા પ્રકાશને કોર્ટના ધક્કા ખવાડીશું. ત્યારબાદ દીપકભાઈએ તથા સંજયભાઈ જબુભાઈ મકવાણાએ કોરા ચેકમાં ખોટી રકમ નાખી, ચેક રિટર્ન કરાવી અમને નોટિસ પાઠવી હતી. આમ, લાઇસન્સ વગર વ્યાજે નાણા આપી વધુ રકમ પડાવી ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે વ્યાજખોર ત્રિપુટી વિરુદ્ધ ખંડણી, ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ક્રાઈમ બ્રાન્ચમાં વ્યાજખોરો સામે નોંધાવેલી તપાસ હજુ ઠેરની ઠેરઓમ એન્ટરપ્રાઇઝ તેમજ એચ યુ એફ ફાઇનાન્સના સંચાલકના ઊંચા વ્યાજમાં અનેક લોકો ફસાયા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં ઉદ્યોગપતિ પાસેથી ખોટી પેનલ્ટી અને વધુ વ્યાજે અઢળક રકમ પડાવી જમીનનું બાનાખત કરાવી લીધું હતું. અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઉદ્યોગપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે ફાઇનાન્સ સંચાલક સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં રિવોલ્વરની અણીએ ફાઇનાન્સર પિતા પુત્રે ઉદ્યોગ પાસેથી જમીન પચાવી પાડી ખોટી પેનલ્ટી અને વ્યાજ દર્શાવી અઢળક નાણા મેળવી ભાડૂતી ગુંડાઓ થકી પઠાણી ઉઘરાણીનો ઉલ્લેખ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.