ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકરના પેરેન્ટ્સ સહિત 7 સામે FIR:માતા ખેડૂતોને પિસ્તોલથી ધમકાવી રહી હતી, VIDEO થયો વાયરલ - At This Time

ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકરના પેરેન્ટ્સ સહિત 7 સામે FIR:માતા ખેડૂતોને પિસ્તોલથી ધમકાવી રહી હતી, VIDEO થયો વાયરલ


પુણે, મહારાષ્ટ્રની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર એક નવા કેસ માટે હેડલાઇન્સમાં છે. આ મામલો તેની માતા સાથે જોડાયેલો છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની માતા મનોરમા ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી રહી છે. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામની છે, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી છે. આ મામલે શનિવારે સવારે પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે આઈપીસીની કલમ 323, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમજ આર્મ્સ એક્ટના આરોપોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિલીપ મહારાષ્ટ્ર સરકારના નિવૃત્ત અધિકારી છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂતોને ધમકી આપી હતી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે મનોરમા બળજબરીથી તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે.
શું છે મામલો? પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર વિશે એવું કહેવાય છે કે તેમણે સરકારી નોકરી દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી. આ પછી તેણે સતત ઘણી જગ્યાએ જમીન ખરીદી. કહેવામાં આવી રહ્યું છે કે ખેડકર પરિવારે પુણે જિલ્લાના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. આ માટે તેણે નજીકના ખેડૂતોની જમીનો પણ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો એ સમયનો છે, પરંતુ જ્યારે ખેડૂતોએ તેનો વિરોધ કર્યો ત્યારે ખેડકરની માતા મનોરમા ખેડકર બાઉન્સર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ખેડૂતોને ધમકી આપી. આ દરમિયાન તેના હાથમાં બંદૂક હતી, જેનાથી તે ખેડૂતોને ધમકાવી રહી હતી. જોકે જ્યારે ખેડૂતોએ તેની સામે પુણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે દબાણને કારણે તેની ફરિયાદ નોંધાઈ શકી નહીં. મીડિયાને ધમકી આપતી માતાનો વીડિયો પણ વાઇરલ થયો
મહારાષ્ટ્ર કેડરના તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકરની માતાનો વધુ એક વીડિયો થોડા દિવસો પહેલાં વાઇરલ થયો હતો. તેણે ઘરની બહાર ઊભાં રહીને વીડિયો બનાવી રહેલા મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો હતો. પૂજા ખેડકરની માતાએ કહ્યું હતું કે જો મારી પુત્રી આત્મહત્યા કરશે તો હું તમને બધાને અંદર કરી દઈશ. તેણે મીડિયાકર્મીઓને પણ ધમકી આપી અને કેમેરા પર પણ એટેક કર્યો. માતા-પિતાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું, પૂજાએ વિશેષ છૂટ મેળવવા ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યાનો દાવો
ચૂંટણી એફિડેવિટ મુજબ, પૂજા ખેડકરનાં માતા-પિતા પાસે 110 એકર ખેતીની જમીન છે, જે કૃષિ જમીન ટોચમર્યાદા કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ સિવાય છ દુકાન, સાત ફ્લેટ (હીરાનંદાનીમાં એક), 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ, ચાર કાર છે. આ સાથે તેની પાસે બે ખાનગી કંપનીઓ અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો છે. આટલું જ નહીં, IAS પૂજા ખેડકર પોતે 22 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. એટલું જ નહીં, એ પણ પ્રકાશમાં આવ્યું છે કે UPSCમાં સબ્મિટ કરવામાં આવેલી એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે તે નેત્રહીન અને માનસિક રીતે બીમાર છે. ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ UPSCમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓછા માર્ક્સ હોવા છતાં પૂજા ખેડકરે છૂટને કારણે પરીક્ષા પાસ કરી. પુણેથી વાશીમ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી
IAS પૂજા ખેડકરની પુણેથી વાશીમ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. સત્તાના દુરુપયોગની ફરિયાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ખેડકરની બદલી કરી છે. પુણેના કલેક્ટર ડો. સુહાસ દીવાસેએ મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. હવે તેને વાશીમ જિલ્લાના અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરી છે. પ્રોબેશન દરમિયાન IAS પૂજાએ શું માગણી કરી?
પુણેમાં તેના પ્રોબેશન દરમિયાન પૂજા ખેડકરે ઘણા વિશેષાધિકારોની માગણી કરી હતી, જે પ્રોબેશનરી અધિકારીઓને મળતી નથી. આ દરમિયાન પૂજા ખેડકરે લાલ-વાદળી લાઇટ અને VIP નંબર પ્લેટવાળી તેની અંગત ઓડી કારનો ઉપયોગ કર્યો, તેની કાર પર 'મહારાષ્ટ્ર સરકાર'નું બોર્ડ લગાવ્યું અને સત્તાવાર કાર, રહેઠાણ, ઓફિસ રૂમ અને વધારાના સ્ટાફની માગણી કરી. તેણે તેની ગેરહાજરીમાં અધિક કલેક્ટરની ચેમ્બર પર પણ કબજો જમાવ્યો હતો. ડો. ખેડકરના પિતા, એક નિવૃત્ત વહીવટી અધિકારી, કથિત રીતે પૂજાની માગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પર દબાણ કરે છે. એટલું જ નહીં, તેણે એવી ધમકી પણ આપી હતી કે જો તેની માગણીઓ નહીં સંતોષાય તો તેમને પરિણામ ભોગવવાં પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.