તરણેતર મેળાની તડામાર તૈયારી વચ્ચે ટ્રાફિકજામ સર્જાવાની ભીતિ
- જગવિખ્યાત મેળો 30મી ઓગસ્ટથી શરૂ થશે- થાનગઢમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી મેળામાં જનારા વાહનોની ધોળેશ્વર ફાટક પાસે લાંબી લાઇનો લાગશેસુરેન્દ્રનગર : થાનગઢ નજીક તરણેતર ગામે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જગવિખ્યાત તરણેતરીયો લોકમેળો તા.૩૦મી ઓગસ્ટથી યોજાનાર છે. થાનમાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી મુખ્ય રસ્તો બંધ હોવાને કારણે તરણેતર જવા માટે એકમાત્ર રસ્તો ધોળેશ્વર ફાટકવાળો ખુલ્લો રહેશે આથી ત્યાં ટ્રાફીક સમસ્યા વિકટ બનવાની અને વાહનોના ચક્કાજામ થવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. આ અંગેની વિગત એવી છેકે, જગવિખ્યાત તરણેતરના મેળામાં લાખ્ખો લોકોની માનવમેદની ઉમટે છે. ચોટીલા-વગડીયા બાજુથી મેળામાં જતા લોકોને થાનમાંથી પસાર થવું પડે છે. આથી થાનમાં વાહનો અને રાહદારીઓની ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય રીતે થાનમાંથી તરણેતર તરફ જવાના બે રસ્તા મોટી નિશાળ સામેની ફાટકથી, તથા ધોળેશ્વર ફાટકથી હોય છે. પરંતુ આ વર્ષે મોટી નિશાળ સામે ફાટક ઉપર ઓવરબ્રિજ બનતો હોવાથી આ રસ્તા બંધ છે. ડાયવર્ઝન આપવા ઉઠેલી માંગ ઉપર તંત્રવાહકોએ ગંભીરતાથી ધ્યાન આપેલ નથી. તેથી થાન ઉપરાંત ચોટીલા-વગડીયા બાજુથી મેળામાં જતા વાહનો, રાહદારીઓ માટે એકમાત્ર ધોળેશ્વર ફાટકવાળો રસ્તો જ ખુલ્લો રહેશે. આ રસ્તે દિવસ-રાત અનેક વાહનોની અવરજવર ચાલુ રહેવાથી ટ્રાફીક સમસ્યા ગંભીર બનવાની દહેશત વ્યક્ત થાય છે. વાહનોના ચક્કાજામના દ્રશ્યો વારંવાર સર્જાવાની તથા અકસ્માતો સર્જાવાની દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. થાનગઢ નગરપાલીકા દ્વારા વધારાના વૈકલ્પીક રસ્તા અંગે વિચારવામાં આવે તેમ જ ધોળેશ્વર ફાટકવાળા રસ્તે ટ્રાફીક નિયંત્રણ માટે પુરતો બંદોબસ્ત મુકવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.