પટેલનગરના કારખાનેદાર વ્યાજની ચુંગાલમાં ફસાયા: વ્યાજખોર અઢી વર્ષથી પઠાણી ઉઘરાણી કરી માર મારતો
વ્યાજખોરોથી લોકોને ભાંગી નાંખતા વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી જરૂરી છે. ત્યારે નિલકંઠ પાર્કમાં રહેતાં અને પટેલનગરમાં કારખાનું ચલાવતાં યુવકે ધંધામાં મંદી આવતાં રૂ.6 લાખ વ્યાજે લીધાં બાદ વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે કોઠારીયા રોડ પરના નિલકંઠ પાર્ક શેરી નં. 1 માં રહેતા અને પટેલનગર-9માં આવેલા કારખાનામાં વોચકેસનું જોબવર્ક કરતાં મોહિતભાઈ કાન્તિભાઈ દૂધાત્રા (ઉ.વ. 38)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ બોરીચા (રહે. ગુંદાવાડી) નું નામ આપતાં ભક્તિનગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું છે કે, વર્ષ 2022 માં કારખાનામાં મંદી આવતાં તેને પૈસાની જરૂર પડી હતી. જેથી આરોપી સુરેશ બોરીચા (રહે. ગુંદાવાડી) પાસેથી મિત્ર મારફત રૂા. 3 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. ફરી વખત જરૂર પડતાં વર્ષ 2023 માં રૂા. 2 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા.
જે બાદ વર્ષ 2024 માં વધુ રૂા. 1 લાખ 3 ટકા વ્યાજે લીધા હતા. આ રીતે કુલ રૂા. 6 લાખ વ્યાજે લઇ દર મહિને નિયમિત વ્યાજ આપતો હતો. છેલ્લે વર્ષ 2024 ના જુલાઇ મહિનાથી વ્યાજ કે મુદલ આપવાનું બંધ કરી દીધું હતું.
જેથી સુરેશ ગઇ તા. 18 નાં તેના કારખાને ઘસી આવ્યો હતો અને તેનો કાંઠલો પકડી, ઝઘડો કરી ગાળો ભાંડી હતી. જે તે વખતે તેણે સુરેશને સિક્યોરિટી પેટે કોઇ વસ્તુ કે ચેક આપ્યા ન હતા.
છેલ્લા સાતેક મહિનાથી વ્યાજ નહીં ચૂકવી શકતા સુરેશે અવારનવાર કારખાને આવી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરતો હતો. પરંતુ હાલ રૂપિયા આપી શકે તેવી સ્થિતિ ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
