વેસુની અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પિતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો - At This Time

વેસુની અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પિતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો


- પિતા સમાધાન કરાવવા જતા વિદ્યાર્થીઓનું ટોળું તૂટી પડયું અને ઘા ઝીંકયાઃ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો સુરત,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારવેસુ સ્થિત અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા જનાર વિદ્યાર્થી અને તેના પિતા સહિત ચાર જણા પર હુમલો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચાડતા ઉમરા પોલીસ દોડતી થઇ ગઇ છે. વેસુ સ્થિત આગમ શોપીંગ વર્લ્ડ નજીક અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજમાં અભ્યાસ કરતા સુરજપાલ શંભુસીંગ રાઠોડ (ઉ.વ.21) ના મિત્ર નિશાંતંનો ગત રોજ કોલેજમાં ઝઘડો થયો હતો. જેથી સુરજપાલે વચ્ચે પડી નિશાંતને છોડાવ્યો હતો. પરંતુ નિશાંત સાથે ઝઘડો કરનાર નિખીલગીરી, શીવમ રાજપૂત, અમન રાજપૂત, કમલ ઝા અને ચંદ્રેશે સુરજપાલને મારવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સુરજપાલે ઇલેક્ટ્રીકની દુકાન ઉપરાંત કન્સ્ટ્રક્શનનું કામ કરતા તેના પિતા શંભુસીંગ હરીસીંગ રાઠોડ (ઉ.વ. 49 રહે. હરિધામ સોસાયટી, બમરોલી-પાંડેસરા રોડ) ને કોલ કર્યો હતો. શંભુસીંગે તુરંત જ કોલેજના પ્રિન્સીપાલ સાથે મોબાઇલ પર વાતચીત કર્યા બાદ સુરજપાલને ધમકી આપનાર અન્ય વિદ્યાર્થીઓને સમજાવવા માટે કોલેજ ખાતે ગયા હતા. પરંતુ નિખીલગીરી અને તેના મિત્રો કોલેજમાંથી નીકળી ગયા હતા અને આગમ શોપીંગ વર્લ્ડ પાસે બેઠા હતા. જેથી શંભુસીંગ અને સુરજપાલ તથા તેના મિત્ર હર્ષ અને મોહિત નિખીલગીરીને સમજાવવા ગયા હતા. પરંતુ નિખીલગીરી સહિતના તમામ શંભુસીંગ, સુરજપાલ, હર્ષ અને મોહિત પર તૂટી પડયા હતા અને બેરહમી પૂર્વક માર માર્યો હતો. ઉપરાંત તીક્ષ્ણ હથિયાર વડે શંભુસીંગના માથામાં વચ્ચેના ભાગે જયારે સુરજપાલને માથામાં કાન પાસે ઘા મારી દીધો હતો. જેમાં શંભુસીંગ ત્યાં જ બેભાન થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.