વરસતા વરસાદ વચ્ચે સેન્ટ્રલ વિસ્ટામાં ખેડૂતોએ રાત કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો - At This Time

વરસતા વરસાદ વચ્ચે સેન્ટ્રલ વિસ્ટામાં ખેડૂતોએ રાત કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો


સમાન વીજદરની માંગણી સાથે સરકાર માંગણીઓ નહીં સંતોષે તો ખેડૂતો સચિવાલય બાનમાં લેશે અને ગામો બંધ કરશે ઃ ખેડૂતોની ચિમકીગાંધીનગર :  ગુજરાતમાં ખેડૂતો માટે સમાન વીજ દરની માંગણી સાથે ભારતીય
કિસાન સંઘના નેજા હેઠળ ઉમટેલા ખેડૂતોએ તેમનું આંદોલન ચાલુ જ રાખ્યું છે અને ગઇકાલે
રાત્રે વરસતા વરસાદ વચ્ચે પણ સેન્ટ્રલ વિસ્ટામાં ધામા નાંખીને વિરોધ પ્રદર્શીત
કર્યો હતો. આવતીકાલે વડાપ્રધાન પણ ગાંધીનગર આવી રહ્યા હોઇ ખેડૂતોના આંદોલનને લઇને
તંત્ર પણ એલર્ટ મોડ પર મુકાઇ ગયુું છે.ભારતીય કિસાન સંઘ છેલ્લા કેટલાય સમયથી સમાન વીજ દર મામલે
સરકારને રજુઆત કરી રહ્યું છે પરંતુ આ માંગણીનો અંત આવતો નથી. સરકાર સામે રજુઆતો
કરીને થાકેલા ખેડૂતોએ જિલ્લા અને તાલુકા મથકોએ પણ ધરણા કર્યા હતા પરંતુ તેમની
રજુઆતો સાંભળવામાં આવી ન હતી ત્યારે ખેડૂતો ગઇકાલે ગાંધીનગરમાં ઉમટયા હતા.સમગ્ર
રાજ્યમાંથી બે હજારથી વધુ ખેડૂતો ગાંધીનગર ઉમટી પડયા હતા જો કે, તેમના ધરણાને
તંત્ર દ્વારા કોઇ મંજુરી આપવામાં આવી ન હતી. તેમ છતા સચિવાલયની સામે સેન્ટ્રલ
વિસ્ટામાં ખેડૂતોએ ધામા નાંખ્યા હતા જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં
સુધી ધરણા ચાલુ જ રાખવામાં આવશે તેવી જાહેરાત પણ અહીં કરવામાં આવી હતી ત્યારે
ગઇકાલે રાત પડી ગઇ હતી તેમ છતા સરકાર તરફથી તેમની માંગણીઓ નહીં સંતોષાતા ખેડૂતો
પોતાના વિરોધમાં અડગ રહ્યા હતા અને સેન્ટ્રલ વિસ્ટામાં જ રાત્રી પસાર કરવાનું
નક્કી કર્યુ હતું એટલુ જ નહીં,
રાત્રે વરસાદ પડયો હતો તેમ છતા આ ખેડૂતો અહીંથી હટયા ન હતા અને સેન્ટ્રલ
વિસ્ટામાં જ ધરણાં પર બેસીને વીજ દરની માંગણી બુલંદ કરી હતી. તે વચ્ચે આવતીકાલે
વડાપ્રધાન ગાંધીનગર આવવાના છે જેના પગલે સ્થાનિક તંત્ર અને સરકાર બેકફુટમાં આવી ગઇ
છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.