POS મશીનમાં ખોટા RR નંબર નાંખી AMC ટેક્ષ ના 2.50 કરોડ ચાંઉ કરવાનો પ્રયાસ : સાયબર સેલમાં ફરિયાદ
અમદાવાદ,તા.6 જુલાઈ 2022,બુધવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ ટેક્ષના અઢી કરોડ ચાંઉ કરવાના રેકેટનો ઈ ગવર્નન્સ અધિકારીઓની સતર્કતાથી પર્દાફાશ થયો છે. આ રીતે કોર્પોરેશનના સરકારી ટેક્ષના કરોડો રૂપિયા બચી ગયા હતા. સાયબર સેલે ઈ ગવર્નન્સ મેનેજરની ફરિયાદ આધારે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ રેકેટ કેટલા સમયથી અને કોણ ચલાવતું હતું તે સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવશે જેમાં કોર્પોરેશનના અધિકારી કર્મચારી સામેલ હોય તો નવાઈ નહી. ફરિયાદ મુજબ આરોપીઓ પીઓએસ મશીનમાં ખોટા આરઆર નંબર નાખી કોર્પોરેશનની મહિલા કર્મચારીઓના યુઝર નેમ અને પાસવર્ડના ઉપયોગથી લોગીન થઈ ખોટી એન્ટ્રીઓ કરી ટેક્ષના નાણાં કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટમાં જમા ના કરાવી કૌભાંડ આચરતા હતા. સાયબર સેલમાં ઈ ગવર્નન્સ મેનેજર સારંગ રાજેન્દ્રકુમાર મોદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 20 સીવીક સેન્ટર પર એમ સ્વાઈપ કંપનીના પીઓએસ મશીન મુકવામાં આવ્યા છે. જે મશીનના ઉપયોગથી શહેરીજનો ટેક્ષના જેવા કે, પ્રોપર્ટી, પ્રોફેશનલ ટેક્ષના નાણાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ભરી શકે છે. આ રીતે નાણાં ભર્યા બાદ પીઓએસ મશીન દ્વારા આર આર નંબર સાથેની રિસીપ્ટ જનરેટ કરવામાં આવે છે. આ રિસીપ્ટ આધારે સીવીક સેન્ટરમાં હાજર સ્ટાફ દ્વારા સિસ્ટમમાં મેન્યુઅલ એન્ટ્રી કરી એએમસીની રિસીપ્ટ જનરેટ કરી આપવામાં આવે છે. આ સિસ્ટમમાં જનરેટ થયેલા બે રિપોર્ટમાં મોટી રકમનો તફાવત જોવા મળતા શંકા આધારે અધિકારીઓએ તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મુંબ ગત તા 2-3-2022થી 12-4-2022ના સમયગાળા દરમિયાન આરોપીઓએ પીઓએસ મશીનમાં ખોટા આરઆર નંબર નાંખ્યા તેમજ કોર્પોરેશનની મહિલા કર્મચારી નેહા ઠક્કર અને ઉષા પટેલના યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગ ઇન થઈ રૂ.2,38,49,930ની રકમની 293 જેટલી મેન્યુઅલ એન્ટ્રી કરી હતી. જોકે આ રૂપિયા કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટમાં ભર્યા ન હતા. આમ આરોપીઓએ કોર્પોરેશન સાથે આયોજનબદ્ધ રીતે ઠગાઈનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.