રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવને ભાવપૂર્વકની ઝુંબેશ સમજીને કામ કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ.
રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં છેલ્લા ૩ વર્ષથી કોવિડ પરિસ્થિતિને કારણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન શક્ય બન્યું નહોતું. ત્યારે આ વર્ષે ૨૩ જૂન થી ૨૫ જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ની જીલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. શાળા પ્રવેશોત્સવને સામાજિક જવાબદારી અને ભાવપૂર્વકની ઝુંબેશ સમજીને બાળકોનો શાળામાં પ્રવેશ થાય તે રીતે કામગીરી કરવાનો અનુરોધ કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જીલ્લા શિક્ષણાધિકારીએ ICDS વિભાગ સાથે સંકલન સાધીને વધુમાં વધુ બાળકોનો પહેલાં ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત થાય તે રીતે કામગીરી કરવા કહ્યું હતું. તેમજ પોતાના બાળકોનું એડમિશન લેતા હોય તેવી લાગણી સાથે આ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવી જોઈએ. વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે "બેટી બચાઓ, બેટી પઢાઓ" ની યોજના હેઠળ જે કન્યાઓ એ અભ્યાસ છોડી દીધો હોય તેઓ શાળામાં પરત ફરે તેવા સ્તુત્ય અને ગંભાીર પ્રયાસો કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ વીડિયો કોંફરન્સ મારફત જોડાયેલા મામલતદારશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને જરૂરી સલાહ સુચનો આપીને તેમણે કરેલી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે સમિતિના અધ્યક્ષોને સરકારશ્રીના આ આયોજનને સફળ બનાવવા ઉમદા કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ડી.આર.સરડવાએ શાળા પ્રવેશોત્સવના આયોજન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જીલ્લાના ૧૧ તાલુકા સહિત ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૪,૬૨૧ છે. જેમાં ૭,૫૫૫ કુમારો અને ૭૦૬૬ કન્યાઓનો સમાવેશ થાય છે. જેમાં ૨૮ દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે. વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતમાં ૭૫ રૂટ સાથે ૨૩,૨૪ અને ૨૫ના કાર્યક્રમની ઉજવણી કરવાના આવશે. આ ઉત્સવ ખૂબ સારી રીતે યોજાય, તે માટે તાલુકા દીઠ નોડલ ઓફિસરની નિયુક્તિ પણ કરવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કર, ડેપ્યુટી કલેક્ટરશ્રી વીરેન દેસાઈ, ડેપ્યુટી DDO શ્રી રાહુલ ગમારા સહિતના સંબંધિત વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.