SIT દ્વારા વધુ રિમાન્ડ નહી મંગાતા પૂર્વ IPS સંજીવ ભટ્ટને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
અમદાવાદ,તા.21 જુલાઈ 2022,ગુરૂવાર ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે ગુજરાતને બદનામ કરવાના ગંભીર પ્રકારના કાવતરામાં ધરપકડ કરાયેલા પૂર્વ આઇપીએસ સંજીવ રાજેન્દ્ર ભટ્ટના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તેમને પોલીસના લોખંડી જાપ્તા હેઠળ અત્રેની ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, સીટ તરફથી વધુ રિમાન્ડની માંગણી નહી થતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી સંજીવ ભટ્ટને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને ઘીકાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કરાયા આરોપી સંજીવ ભટ્ટ જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં જન્મટીપની આકરી સજા પામેલા છે અને પાલનપુર પોલીસમથકમાં એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલા ગુના સબબ હાલ પાલનપુર સબજેલમાં જયુડીશીયલ કસ્ટડીમાં હતા. દરમ્યાન ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રના ચકચારભર્યા કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમારની ધરપકડ બાદ સંજીવ ભટ્ટની પણ ધરપકડ થઇ હતી. જેમાં મેટ્રોપોલીટન કોર્ટે સંજીવ ભટ્ટને સાત દિવસના રિમાન્ડ અગાઉ આપ્યા હતા, જેની મુદત પૂરી થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટ દ્વારા તેમને જેલમાં મોકલી અપાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.