રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભલે હારી ગયા પણ યશવંત સિંહા એક બાબતમાં રહ્યા આગળ - At This Time

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભલે હારી ગયા પણ યશવંત સિંહા એક બાબતમાં રહ્યા આગળ


- 1952થી અત્યાર સુધી યોજાયેલી રાષ્ટ્રપતિ પદની 15 ચૂંટણીઓમાં વિપક્ષના ઉમેદવારોને સરેરાશ 22.18 મત મળ્યા છેનવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022, શુક્રવારરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ વિજય હાંસલ કર્યો છે અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને પરાજિત કર્યા છે. જોકે તેમ છતાં પણ 36 ટકા મત મેળવનારા યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઈતિહાસમાં એક રેકોર્ડ સર્જી દીધો છે. યશવંત સિંહા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ત્રીજા સૌથી વધારે મત મેળવનારા વિપક્ષના ઉમેદવાર બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને ટ્વિટમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ઉર્જા, દૃઢ વિશ્વાસ તથા અનુગ્રહ સાથે લડવામાં આવેલી લડાઈ માટે યશવંત સિંહાને પ્રણામ. 36 ટકા મત સાથે સિંહાજી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઈતિહાસમાં ત્રીજા સૌથી વધુ મત પ્રાપ્ત કરનારા વિપક્ષના ઉમેદવાર બની ગયા છે.  1952થી અત્યાર સુધી યોજાયેલી રાષ્ટ્રપતિ પદની 15 ચૂંટણીઓમાં વિપક્ષના ઉમેદવારોને સરેરાશ 22.18 મત મળ્યા છે. યશવંત સિંહા ત્રીજા એવા ઉમેદવાર છે જેમને સર્વાધિક મત મળ્યા છે. યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજય માટે દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે, દરેક ભારતીય એવી આશા રાખે છે કે, 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈ પણ પ્રકારના ડર કે પક્ષપાત વગર બંધારણના સંરક્ષક તરીકે કાર્ય કરશે. આ ઉપરાંત યશવંત સિંહાએ ચૂંટણીમાં પોતાને ઉમેદવાર બનાવવા બદલ વિપક્ષી દળોના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું ઈલેક્ટોરલ કોલેજના તમામ સદસ્યોનો પણ આભાર માનું છું જેમણે મને મત આપ્યો. મેં વિપક્ષી દળોના પ્રસ્તાવનો સંપૂર્ણપણે ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કર્મયોગના એ ઉપદેશના આધાર પર સ્વીકાર કર્યો કે, ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કરતા રહો. તેમણે જણાવ્યું કે, તેમણે પોતાના દેશ પ્રત્યેના પોતાના પ્રેમના કારણે પોતાનું કર્તવ્ય સંપૂર્ણપણે ઈમાનદારીથી નિભાવ્યું છે. તેમણે પોતાના અભિયાન દરમિયાન જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તે પ્રાસંગિક છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.