કરોડોના ખર્ચ બાદ પણ અમદાવાદ પૂર્વનાં વિસ્તારોમાં ઉભરાતી ગટરોથી નર્કાગાર સ્થિતિ સર્જાઈ, લોકો ત્રાહિમામ બન્યાં
અમદાવાદ,રવિવાર,7
ઓગસ્ટ,2022સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં
ભ્રષ્ટાચારે માઝા મુકી દીધી છે.કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં
ઉભરાતી ગટરોથી નર્કાગાર પરિસ્થિતિ જોવા મળી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શરુ
થયેલી ચોંકાવનારી પરંપરા મુજબ એક વખત કામ માટે વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ
તંત્રનો કોઈ અધિકારી પણ જે સ્થળે કામ ચાલી રહ્યુ હોય એ સ્થળે જોવા પણ ફરકતો ના હોવાનો
સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહયો છે.આ વર્ષે જુલાઈ મહિનામાં અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને
પરિણામે અમદાવાદ પૂર્વના મોટા ભાગના વિસ્તારોમાં નર્કાગાર સ્થિતિ જોવા મળી હતી.આ
અંગેની ગંભીર નોંધ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી પાણી સમિતિની બેઠકમાં પણ લેવામાં
આવી હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આ અંગે ઉગ્ર પ્રતિક્રીયા આપતા કહયુ, પૂર્વ અમદાવાદના
અનેક વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં કરોડોનો ખર્ચ કરાવી જુદા-જુદા વિસ્તારોમાં
આવેલી કેચપીટ ઉપરાંત મશીનહોલ અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનની ડીસિલ્ટીંગની કામગીરી
કરાવવામાં આવી છે.આમ છતાં આ વર્ષે અત્યાર સુધી પડેલા વરસાદમાં સૌથી વધુ અસર
અમદાવાદ પૂર્વમાં આવેલા ચાર ઝોનના અલગ અલગ વોર્ડ તેમજ તેના વિસ્તારોમાં થવા પામી
છે.એપ્રિલ-૨૦૨૧થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સીસીટીવી
કેમેરા અને સુપરસકર મશીનથી ડીસિલ્ટીંગ અંગે આપવામાં આવેલી કામગીરી ઉપર નજર
નાંખવામાં આવે તો દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા વોર્ડમાં વી.એન.એન્જિનિયરીંગ નામના
કોન્ટ્રાકટરને રુપિયા ૪૦.૩૯ લાખના ખર્ચથી કામગીરી સોંપવામાં આવી હતી.આ જ
કોન્ટ્રાકટરને લાંભા વોર્ડમાં રુપિયા ૫૦.૬૩ લાખના ખર્ચથી કામગીરી સોંપવામાં આવી
હતી.વટવા વોર્ડમાં ડીસિલ્ટીંગની કામગીરી કેપીટલ એન્જિનિયરીંગ નામના કોન્ટ્રાકટરને
રુપિયા ૧૦૫ લાખથી સોંપવામાં આવી હતી.ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં બાલીબોય ઈન્ડિયા
નામના કોન્ટ્રાકટરને રુપિયા ૧૩૩ લાખના ખર્ચથી ડીસિલ્ટીંગ અંગેની કામગીરી આપવામાં
આવી હતી.
વસ્ત્રાલ વોર્ડમાં અરુણકુમાર ગોએલ નામના કોન્ટ્રાકટરને
રુપિયા ૪૬.૭૫ લાખ તેમજ ઉત્તર ઝોનના વિવિધ વોર્ડમાં બાલીબોય નામના કોન્ટ્રાકટરને
રુપિયા ૧૦૨.૪૭ લાખના ખર્ચથી ડીસિલ્ટીંગ કરવાની કામગીરી આપવામાં આવી હતી.સરદારનગર
વોર્ડમાં વી.એન.એન્જિનિયરીંગ નામના કોન્ટ્રાકટરને રુપિયા ૨૭૩.૧૩ લાખના ખર્ચથી તથા
અસારવા વોર્ડમાં કેપીટલ એન્જિનિયરીંગ નામના કોન્ટ્રાકટરને રુપિયા ૪૦.૫૨ લાખ તેમજ
રુપિયા ૩૪.૬૧ લાખના ખર્ચથી ડીસિલ્ટીંગ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.શાહપુર
વોર્ડમાં બાલીબોય ઈન્ડિયા નામના કોન્ટ્રાકટરને રુપિયા ૩૭.૦૧ લાખના ખર્ચથી
ડીસિલ્ટીંગ કરવાની કામગીરી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.