સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકને વીજશોક લાગવાથી મોત
શહેરની ભાગોળે રણુજા મંદિર પાસે રહેતા યુવકનું રામાપીર ચોકડી નજીક રાણીમા રૂડીમા ચોક પાસે રહેતા તેના બનેવીના ઘરે વીજકરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. તેમજ રાજકોટના સાતડામાં વીજઆંચકો લાગતા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે રહેતો મેહુલ દીપકભાઇ ચુડાસમા (ઉ.વ.22) સોમવારે સાંજે રામાપીર ચોકડી નજીક રાણીમા રૂડીમા ચોક પાસે રહેતા તેના બનેવી અજયભાઇના ઘરે હતો ત્યારે તેને વીજકરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બી.એ.નો અભ્યાસ પૂરો કરી હાલમાં મેહુલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તેના બનેવી અજયભાઇનો પગ ભાંગી ગયો હોવાથી મેહુલ તેના બનેવીની ખબર અંતર પૂછવા તેમના ઘરે ગયો હતો. તે વખતે ફળિયામાં પાણીની મોટર ચાલુ હતી, તે વખતે ટ્રેક્ટર આવતા પાણીની મોટર નડશે તેવું માની મેહુલે ચાલુ મોટર ઉપાડી લીધી હતી અને મોટર ઉપાડતાં જ વીજઆંચકો લાગ્યો હતો. યુવાન પુત્રનાં મોતથી ચુડાસમા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.