સારવારમાં સગર્ભાનું મોત : ડોકટરોની બેદરકારીનો આક્ષેપ - At This Time

સારવારમાં સગર્ભાનું મોત : ડોકટરોની બેદરકારીનો આક્ષેપ


રાજકોટમાં માધાપર ચોકડી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ સગર્ભાનું મોત થયું હતું.
જેમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, મૃતકનું નામ આશા જયેશ મકવાણા (ઉ.વ.20) હતું. તે માળિયા હાટીના ગોતાણા ગામે સાસરે પતિ સાથે રહેતી. દોઢ વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. દરમિયાન સારા દિવસો જતા આશા ગર્ભવતી બનતા શાપરમાં શીતળા માતા મંદિર પાસે રહેત પિતા સોમાભાઈ મેપાભાઈ પરમારને ત્યાં માવતરે ડિલિવરી કરવા માટે આવેલી. તે 3 મહિનાથી અહીં હતી. દરમિયાન તેની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી. નિયમિત તપાસ કરાવતા હતા. સોમવારે આશાને દાખલ કરાઈ. મંગળવારે તેનું સિઝીરિયન કર્યું.
બાળકનો જન્મ થયા પછી બ્લીડીંગ બંધ ન થતા લોહી ચડાવવું પડ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે, આશાને 3 બોટલ જેટલું બ્લડ તો વહી ગયું હતું. 12 બોટલ બ્લડ ચડાવ્યું. જેમાં હોસ્પિટલે કહેલું કે, 6 બોટલ જ આયુષ્યમાનમાં આવશે. બાકીનું દર્દીના સગાએ વેચાતું લેવું પડશે. આશાની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા ત્યાંના ડોક્ટરે સલાહ આપેલી. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આશાનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
ડોકટરોની ખૂબ જ બેદરકારી હોવાના આક્ષેપ સાથે મૃતકના સગા સ્વજન રોષે ભરાયા હતા. પોલીસે આશાનો મૃતદેહ પીએમ માટે ખસેડતા ત્યાં તેમના સગા સંબંધિઓ એકત્ર થયા હતા જ્યાં સુધી જવાબદાર હોસ્પિટલ અને ડોકટર સામે પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇનકાર કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.