કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ગાંભોઇ ત્રણ રસ્તેથી પોલીસે બેરણા ગામના કુવા પરથી ચોરીના કેબલ વાયરો સાથે મહેસાણાના શખ્સને ઝડપ્યો
હિંમતનગરના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને બાતમીના આધારે ગાંભોઈ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં ગાંભોઈ પોલીસને સફળતા મળી હતી.
આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના PSI વી.આર. ચૌહાણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંભોઈ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના કાળુભાઇ તથા સંજયકુમારને બાતમી મળી હતી કે, એક ઇસમે કેબલ વાયરની ચોરીઓ કરી હતી. તે કેબલ વેચાણ માટે લઇ જઇ રહ્યો છે અને તે હાલ ગાંભોઇ ત્રણ રસ્તા નજીક પુલીયાની નીચે ઉભો છે. જે બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી તેની પુછપરછ કરતા શખ્સે તેનું નામ રવિ ઉર્ફે રાજદીપ રાજુભાઇ પ્રતાપભાઇ દેવીપૂજક (ઉ.વ.૩૫, રહે.ડેલાવસાહત, મહેસાણા) હોવાનું જણાવ્યું હતું.
હાથમાં રહેલી થેલીમાં જોતા થેલીની અંદર તાંબાના કેબલના વાયરના ઝુમ્બા મળી આવ્યા હતા. જેથી પોલીસે તે શખ્સને વધુ પુછપરછ કરતા હિંમતનગરના બેરણામાં આજથી પાંચેક દિવસ પહેલા બપોરના સમયે બેરણા ગામની સીમમા આવેલા ખેતરોમાં ગયો હતો અને બોર તથા કુવા ઉપરથી કેબલો કાપી તે કેબલોને સળગાવી તેમાંથી તાંબુ કાઢી વેચાણ કરવા જવાનું હતું. જે દરમિયાન ગાંભોઈ પોલીસ મથકમાં કેબલ ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનું માલુમ પડ્યું હતું. આમ ગાંભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.