ખોખરા ધીરજ હાઉસિંગ, હરિપુરામાં રોગચાળો વકર્યો
અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022, શનિવારખોખરામાં ધીરજ હાઉસિંગ હરિપુરામાં છેલ્લા એક માસથી પીવાનું પાણી અવાર-નવાર દુષિત આવી રહ્યું હોવાની ફરિયાદ વચ્ચે રોગચાળો ફેલાયો છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો આ વસાહતોમાં ફેલાયો છે.ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવી, પીવાના પાણીની લાઇનો લીકેજ થવી સહિતના કારણોસર આ વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ છે. આ મામલે મ્યુનિ.તંત્રમાં પણ રજૂઆત કરીહોવા છતાંય આજદીન સુધી ઉકેલ આવ્યો ન હોવાનું રહીશોનું કહેવું છે.ચોમાસામાં ગંદકી થવી, પાણી ભરાઇ રહેવા, કાદવ-કિચડ અને કચરા પેટીઓમાં કચરાના ઢગલા વચ્ચે મચ્છરો ઉત્પન્ન થયા હોવાથી આ વસાહતના દરેક ઘરમાં એક-બે જણાને મલેરિયા, ડેન્ગ્યું, તાવ, શરદી-ઉઘરસ, ટાઇફોઇડ થયો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે.મ્યુનિ.તંત્ર દ્વારા પીવાનું દુષિત પાણી આવે છે તે બંધ કરવા પ્રયાસો કરવા જોઇએ. દરરોજ સફાઇ, દવાનો છંટકાવ, ફોગિંગ મશીન ફેરવવા જોઇએ તેવી રહીશોની માંગણી ઉઠી છે. કચરાનો રોજેરોજ નિકાલ કરાવવો જોઇએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.