રાજ્યની તમામ મહાનગરપાલિકા- નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંક સાથે આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ‘એક પેડ માં કે નામ’ મહા અભિયાન યોજાશે - At This Time

રાજ્યની તમામ મહાનગરપાલિકા- નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંક સાથે આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ‘એક પેડ માં કે નામ’ મહા અભિયાન યોજાશે


PR
રાજ્યની તમામ મહાનગરપાલિકા-
નગરપાલિકા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાના લક્ષ્યાંક સાથે આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ‘એક પેડ માં કે નામ’ મહા અભિયાન યોજાશે
...................................
તમામ શહેરોમાં નાગરિકો-સરકારના સહયોગથી શહેરી વનીકરણ,મિયાવાકી અને ગ્રીન સ્પ્રેસ સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાશે
...................................
 વિવિધ વર્ગની નગરપાલિકાઓમાં વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવશે
 વૃક્ષારોપણ કરનાર નાગરિક, માતા, તેમજ વૃક્ષનું નામ દર્શાવતુ બોર્ડ વૃક્ષ સાથે લગાવવામાં આવશે
 વૃક્ષ પ્રેમી વૃક્ષને દત્તક લઇ શકે તેવી વ્યવસ્થા પણ કરાશે
 વૃક્ષારોપણ બાદ તેની આવશ્યક્તા મુજબ જતન થઇ શકે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે
.................................
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૫ જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ મહાઅભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ‘એક પેડ માં કે નામ’ મહાઅભિયાનને ગ્રામીણની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી પહોંચાડવા આગામી તા.૩૧ ઓગસ્ટ -૨૦૨૪ સુધી વિશેષ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે તેમ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જણાવાયું છે.

રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે શહેરી અને શહેરી વિકાસ વિભાગ દ્વારા આગામી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૪ સુધી રાજ્યની તમામ ૮ મહાનગરપાલિકાઓ, ૧૫૭ નગરપાલિકાઓ તમામ ૧૬૫ યુએલબીમાં ‘એક પેડ માં કે નામ’ વિશેષ મહા અભિયાન યોજાશે. પર્યાવરણના રક્ષણની સરકારની સાથે સાથે વ્યકિતગત જવાબદારી વિશે વધુ જાગૃતિ લાવવા તમામ શહેરોમાં શહેરી વનીકરણ, મિયાવાકી વન અને ગ્રીન સ્પેસ સાથે સબંધિત અન્ય કાર્યક્રમો નાગરિકો, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓની સહભાગીતા સાથે યોજાશે.

શહેરી અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગત યોજાનાર ‘એક પેડ માં કે નામ’ વિશેષ મહા અભિયાનમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ અથવા ઝોન દીઠ વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવશે. આ જગ્યાને ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ/દીવાલ બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓએ વૃક્ષારોપણના કાર્યક્રમ માટે સંબંધિત અધિકારીની નિમણૂક કરવાની રહેશે. આ મહા અભિયાનના ઉદઘાટન સમારંભમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાના ચૂંટાયેલા પદાધિકારીઓ જેમ કે મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કોર્પોરેટરશ્રી, સંસદસભ્યશ્રી / ધારાસભ્યશ્રી, કાઉન્સીલરશ્રી, પર્યાવરણ પ્રેમી નાગરિકો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મહા અભિયાનમાં વૃક્ષારોપણ તથા પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલ જે તે વિસ્તારની સ્વૈચ્છિક સંસ્થાઓ, વન વિભાગ, ઉદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, એન.સી.સી/એન.એસ.એસ કેડેટ્સ, નાગરિક આગેવાનો વગેરેનો સહયોગ લેવામાં આવશે. આ તમામ મહાનુભાવો તથા કાર્યક્રમમાં ભાગ લેનાર નાગરિકો પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે તેવું આયોજન કરવામાં આવશે. આ માટે ભારત સરકારના પોર્ટલ https://merilife.nic.in પર નોંધણી કરી શકાશે. આ અભિયાનમાં વૃક્ષારોપણ કરનાર વ્યકિતનું નામ, માતાનું નામ, વૃક્ષનું નામ, દર્શાવતું બોર્ડ વૃક્ષ સાથે લગાવવામાં આવશે. વૃક્ષારોપણ કરનાર નાગરિક વૃક્ષને દતક લેવા માગતા હોય તો તે વ્યવસ્થા કરી આપવામાં આવશે જેથી વૃક્ષ સાથે ભાવનાત્મક જોડાણ થઇ શકે.

વધુમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક પર્યાવરણને અનુરૂપ દેશી વૃક્ષો...જેવાકે વડ, પીપર, ઉમરો, પીપળો, લીમડો, જાંબુ, કદંબ, કરંજ, સેવન, આંબલી, બોરસલ્લી, બીલીપત્ર, આમળા, આંબો વગેરેને પ્રાધાન્ય અપાશે. વૃક્ષારોપણ કરેલ તમામ વૃક્ષોને આવશ્યકતા અનુસાર સમયાંતરે નિયમિત ખાતર, પાણી વગેરેની વ્યવસ્થા નિષ્ણાંતની દેખરેખ હેઠળ થાય તે સુનિશ્ચિત કરાશે. વૃક્ષારોપણ કરેલ જગ્યા કોઇ સંસ્થા દત્તક લેવા ઈચ્છતી હોય તો પરવાનગી આપી આ માટે એમ.ઓ.યુ પણ કરવામાં આવશે. ઉપરાંત આ કાર્યક્રમ માટે દાતાશ્રીઓનો સ્વૈચ્છિક સહયોગ મેળવી શકાશે તથા દાતાઓએ આપેલ દાનની રકમની પાકી પહોંચ આપવાની રહેશે. દાતાશ્રીઓ છાણીયું ખાતર, વર્મી કમ્પોઝ્ડ, જીવામૃત વગેરેરૂપે પણ સહયોગ આપી શકશે.

આ ઉપરાંત વૃક્ષારોપણ પૂર્ણ થયે વૃક્ષારોપણ કરનાર તમામની યાદી સહિતનું બોર્ડ બનાવી જે તે સ્થળે પ્રદર્શિત કરવાનું રહેશે. એક વર્ષ પૂર્ણ થયે ૯૫% જીવંતતા દર (સર્વાઇવલ રેટ) સુનિશ્ચિત કરવાનો રહેશે અને તે મુજબ વૃક્ષોની જાળવણી કરવા તકેદારી રાખવી. હાલ જ્યાં બાગ-બગીચાની વ્યવસ્થા નથી તેવી નગરપાલિકાઓએ ઓછામાં ઓછા ૧ એકરથી ૨.૫ એકર સુધીની જગ્યા બગીચા/પબ્લીક પાર્ક માટે નિયત કરવામાં આવશે તેમ,શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
જનક દેસાઇ ..........................


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.