ઉત્તરાખંડમાં મુખ્ય ચૂંટણી કમિશનરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનના કારણે ખેતરમાં ઉતાર્યુ, ટ્રેકિંગ માટે નંદા દેવી જઈ રહ્યા હતા - At This Time

ઉત્તરાખંડમાં મુખ્ય ચૂંટણી કમિશનરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનના કારણે ખેતરમાં ઉતાર્યુ, ટ્રેકિંગ માટે નંદા દેવી જઈ રહ્યા હતા


મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના મુનસ્યારીના રાલમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તેનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટર મિલમ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હતા. CECએ ટ્રેકિંગ માટે મિલમથી નંદા દેવી બેઝ કેમ્પ જવાનું આયોજન કર્યું હતું, પરંતુ તે દરમિયાન બપોરે 1 વાગ્યે વાતાવરણ પલટાતા ખરાબ હવામાન થયું હતું. પાયલોટને ખતરાની જાણ થતાં જ તેણે સમજકદારી દાખવીને નજીકના ખેતરમાં હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ડીએમએ CEC સાથે વાત કરી, તેઓ સુરક્ષિત છે. લેન્ડિંગ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમની સાથે હાજર અન્ય અધિકારીઓને નજીકના ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. નંદા દેવીમાં ITBP જવાનોને મળવાનું હતું
કુમાઉના કમિશનર દીપક રાવતે જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરે મિલાન ગ્લેશિયરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને નંદા દેવી ખાતે ITBP જવાનોને મળવાનું હતું. ત્યાંથી તેઓ પિથોરાગઢ જિલ્લાના પચુ, માટોલી વગેરે વિસ્તારોના ગ્રામજનોને મળવા જવાનું હતું. તેમને જોવું હતું કે હાઈ એટીટ્યૂડમાં ચૂંટણી અંગે કેવા પ્રકારના પડકારો રહે છે. પરંતુ, લગભગ 1 વાગ્યે પીથોરાગઢના ડીએમએ ઈમરજન્સી લેન્ડિંગની જાણકારી આપી. આ પછી સેટેલાઇટ ફોન દ્વારા ઈમરજન્સી લેન્ડિંગની માહિતી લેવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સાથે હાજર સ્ટાફ અને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. તેમની પાસે તમામ સાધનો અને ખાવા-પીવાની ચીજો છે. તેમણે કહ્યું કે લાંબા અંતરને કારણે ટીમને ત્યાં પહોંચવામાં સાતથી આઠ કલાકનો સમય લાગી શકે છે. આ સિવાય હવામાન ચોખ્ખું રહેશે તો તેમને હેલિકોપ્ટર દ્વારા મુનસ્યારી લાવવામાં આવશે. ગઈકાલે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે 15 ઓક્ટોબરે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત કરી છે. ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 20 નવેમ્બરે 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. રાજીવ કુમારે યુપી સહિત 13 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી. પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે. 15 મે, 2022ના રોજ તેમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ પર રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.